પ્રચારનું અગત્ય જાળવી રાખો
પ્રચારનું અગત્ય જાળવી રાખો
‘ખુશખબરનો પ્રચાર કરો, એ કામ અગત્યતાથી કરો.’—૨ તીમો. ૪:૨, NW.
તમે સમજાવી શકો?
પહેલી સદીના ખ્રિસ્તીઓએ શું જાહેર કર્યું?
પ્રચારનું મહત્ત્વ જાળવી રાખવા આપણે શું કરી શકીએ?
શા માટે પહેલાં કરતાં આજે ઈશ્વરના રાજ્યની ખુશખબર જણાવવી બહુ અગત્યની છે?
૧, ૨. ‘પ્રચારને અગત્યતાથી’ કરવા વિષે કેવા સવાલો ઊભા થાય છે?
જેઓનું કામ લોકોના જીવ બચાવવાનું છે, તેઓ પોતાના કામને ઘણું જ મહત્ત્વ આપશે. દાખલા તરીકે, લોકોના જીવ જોખમમાં હોય ત્યારે ફાયર-બ્રિગેડના કર્મચારીઓ શું કરશે? તેઓ લોકોના જીવ બચાવવા ઉતાવળે ત્યાં પહોંચી જશે.
૨ યહોવાના સાક્ષીઓ તરીકે આપણે પણ લોકોને પોતાનો જીવ બચાવવા મદદ કરવા માંગીએ છીએ. એટલે જ આપણે રાજ્યની ખુશખબર ફેલાવવાના કામને ઘણું જ મહત્ત્વનું ગણીએ છીએ. ખરું કે આપણે લોકોને મદદ કરવા આંખો મીંચીને દોડી જતા નથી, પરંતુ પ્રેરિત પાઊલની આ સલાહને ધ્યાનમાં રાખીએ છીએ: ‘ખુશખબરનો પ્રચાર કરો, એ કામ અગત્યતાથી કરો.’ (૨ તીમો. ૪:૨, NW ) પ્રચાર કામને અગત્યતાથી કરવાનો શું અર્થ થાય? એમ કરવું કેમ બહુ મહત્ત્વનું છે?
શા માટે પ્રચાર કામ અગત્યનું છે?
૩. લોકો રાજ્યની ખુશખબર સાંભળે કે ન સાંભળે, એનું શું પરિણામ આવી શકે?
૩ ખુશખબર જણાવવાથી કેટલા લોકોના જીવ બચી શકે છે, એનો વિચાર કરવાથી તમે પ્રચારનું અગત્ય સમજી શકશો. (રોમ. ૧૦:૧૩, ૧૪) બાઇબલ જણાવે છે: ‘જ્યારે હું દુષ્ટ માણસને કહું કે તું નક્કી માર્યો જશે, ત્યારે જો તે પોતાનાં પાપથી ફરીને નીતિથી અને પ્રામાણિકપણે વર્તે, તો તે નક્કી જીવતો રહેશે અને માર્યો જશે નહિ. તેણે કરેલાં પાપોમાંનું કોઈ પણ પાપ તેની વિરુદ્ધ યાદ કરવામાં આવશે નહિ.’ (હઝકી. ૩૩:૧૪-૧૬) બાઇબલ જણાવે છે કે જેઓ ઈશ્વરના રાજ્ય વિષે શીખવે છે, તેઓ ‘પોતાને તેમ જ સાંભળનારાઓને પણ બચાવશે.’—૧ તીમો. ૪:૧૬; હઝકી. ૩:૧૭-૨૧.
૪. સત્યમાં ભેળસેળ થવાને કારણે પહેલી સદીમાં પ્રચાર કામ કેમ ખૂબ અગત્યનું બની ગયું?
૪ પ્રેરિત પાઊલે તીમોથીને ‘અગત્યતાથી’ પ્રચાર કામ કરવા કહ્યું. પાઊલે શા માટે એમ કહ્યું એ સમજવા આ લેખની મુખ્ય કલમ અને એની આગળ-પાછળની કલમો પર વિચાર કરીએ. એ આમ વંચાય છે: “તું સુવાર્તા પ્રગટ કર; અનુકૂળ તથા પ્રતિકૂળ પ્રસંગે તત્પર રહે; સંપૂર્ણ સહનશીલતાથી ઉપદેશ કરીને ઠપકો આપ, ધમકાવ તથા ઉત્તેજન આપ. કેમ કે એવો વખત આવશે કે જે વખતે તેઓ શુદ્ધ ઉપદેશને સહન કરશે નહિ; પણ કાનમાં ખંજવાળ આવવાથી તેઓ પોતાને મનગમતા ઉપદેશકો પોતાને માટે ભેગા કરશે; તેઓ સત્ય તરફ આડા કાન કરશે, અને કલ્પિત વાતો તરફ ફરશે.” (૨ તીમો. ૪:૨-૪) ઈસુએ પહેલેથી કહ્યું હતું કે સમય જતાં અમુક લોકો સત્યમાં ભેળસેળ કરશે. (માથ. ૧૩:૨૪, ૨૫, ૩૮) એ ભેળસેળ વધવા લાગી ત્યારે તીમોથી માટે ખૂબ જ મહત્ત્વનું હતું કે તે જલદીથી ઈશ્વરની ખુશખબર મંડળમાં પણ જાહેર કરે. સાચા ખ્રિસ્તીઓ ખોટા શિક્ષણમાં ફસાઈને ગેરમાર્ગે દોરાઈ ન જાય, એ માટે એમ કરવું બહુ જરૂરી હતું. એ ખ્રિસ્તીઓના જીવ જોખમમાં હતા. આજે આપણા વિષે શું?
૫, ૬. આજે લોકોમાં કયાં શિક્ષણો પ્રચલિત છે?
૫ આજના સમયમાં સાચી ભક્તિમાં ઘણી ભેળસેળ થઈ છે. તેમ જ, ખોટી માન્યતાઓ ઘણી હદે ફેલાઈ છે. (૨ થેસ્સા. ૨:૩, ૮) આજે લોકોને પોતાના ‘કાનની ખંજવાળ’ મટાડવા કેવી વાતો ગમે છે? ઘણી જગ્યાએ લોકોને ધર્મ માટે જેવો ઉત્સાહ હોય છે, એવો જ ઉત્સાહ ઉત્ક્રાંતિવાદના શિક્ષણ માટે પણ હોય છે. ખરું કે ઉત્ક્રાંતિવાદ એ વિજ્ઞાનનો વિષય છે, પણ હવે એ ઈશ્વર વગરનો ધર્મ બની ગયો છે. એને લીધે, લોકો ઈશ્વરને અને બીજા લોકોને અલગ નજરે જોવા લાગ્યા છે. બીજી પણ એક માન્યતા ઘણી પ્રચલિત બની છે. એ છે કે ‘ઈશ્વરને આપણી કંઈ પડી નથી, એટલે તેમનામાં કોઈ રસ લેવાની જરૂર નથી.’ શા માટે આવાં શિક્ષણો ઘણાં પ્રચલિત છે? શા માટે લાખો લોકોને ઈશ્વર વિષે જાણવામાં કોઈ રસ નથી? કેમ કે બંને શિક્ષણોમાં આ મુખ્ય વિચાર જોવા મળે છે: ‘તમે મનફાવે એ કરી શકો છો, કારણ કે તમારે એનો હિસાબ આપવો નહિ પડે.’ આવા વિચારો ઘણા લોકોને ગમે છે.—ગીતશાસ્ત્ર ૧૦:૪ વાંચો.
૬ બીજી અમુક બાબતો પણ છે કે જે લોકોને ગમે છે. ચર્ચમાં જતાં અમુક લોકો ચાહે છે કે તેમના શિક્ષકો તેમને આમ કહે: ‘તમે ભલે ગમે તે કરો છતાં, ઈશ્વર તમને ચાહે છે.’ પાદરીઓ અને ધર્મગુરુઓ લોકોને મનગમતી બાબતો કહે છે. તેઓ કહે છે કે જો તમે અમુક વિધિઓ પાળો, મોટા જમણવાર રાખો અને મૂર્તિપૂજા કરો, તો તમને ઈશ્વરના આશીર્વાદો મળશે. પણ, ચર્ચમાં જનારા જાણતા નથી કે તેઓ કેવી જોખમી હાલતમાં છે. (ગીત. ૧૧૫:૪-૮) તેથી, આપણે તેઓને મદદ કરવી જોઈએ. તેઓ ઈશ્વરના રાજ્યનો લાભ મેળવી શકે એ માટે બાઇબલનું સત્ય સમજાવીએ.
અગત્યતાથી પ્રચાર કરવાનો શું અર્થ થાય?
૭. આપણે કેવી રીતે પ્રચારનું અગત્ય બતાવી શકીએ?
૭ એક ડૉક્ટર ખૂબ જ ધ્યાનથી ઑપરેશન કરશે, નહિ તો વ્યક્તિનો જીવ જોખમમાં મૂકાઈ શકે. આપણે પણ પ્રચાર કામમાં પૂરું ધ્યાન આપીને એનું મહત્ત્વ બતાવીએ છીએ. જેમ કે, આપણે વિચારીએ છીએ કે પ્રચાર વિસ્તારના લોકોને કેવી તકલીફો છે, તેઓને કેવા સવાલો ઊભા થાય છે. પ્રચારનું અગત્ય બતાવવાની બીજી પણ એક રીત છે. પોતાના રોજિંદાં કામોમાં થોડા ફેરફાર કરીએ, જેથી લોકોના નવરાશના સમયે સંદેશો જણાવી શકીએ.—રોમ. ૧:૧૫, ૧૬; ૧ તીમો. ૪:૧૬.
૮. આપણા માટે કોઈ કામ બહુ અગત્યનું છે એ કેવી રીતે બતાવીશું?
૮ આપણે જે કામ પહેલા કરીશું, એનાથી પણ જણાશે કે એ કામ કેટલું અગત્યનું છે. (ઉત્પત્તિ ૧૯:૧૫ વાંચો.) ધારો કે ડૉક્ટરે તમારા મેડિકલ ટેસ્ટ લીધા છે. એનું પરિણામ જણાવવા તે તમને પોતાની ઑફિસમાં બોલાવે છે. તે કહે છે: ‘જુઓ તમારી સ્થિતિ બહુ ગંભીર છે. બીમારીનો ઇલાજ કરવા તમારી પાસે એક જ મહિનો છે.’ એ સાંભળીને તમે કેવી રીતે વર્તશો? શું ફાયર બ્રિગેડના માણસો આગ હોલવવા દોડાદોડી કરે તેમ કરશો? ના, એમ નહિ કરો. તમે કદાચ ડૉક્ટરની સલાહ માંગશો, ઘરે જશો અને બાકીના સમયમાં કઈ બાબતો પહેલી કરવાની છે, એના પર ગંભીરતાથી વિચાર કરશો.
૯. આપણે શાને આધારે કહી શકીએ કે પાઊલ એફેસસમાં હતા ત્યારે પ્રચાર કામને ઘણું મહત્ત્વ આપ્યું?
૯ આસિયામાં પાઊલે જે ખુશખબર ફેલાવી એ વિષે એફેસસ મંડળના વડીલોને તેમણે જણાવ્યું હતું. તેમણે જે કહ્યું એના પર વિચાર કરવાથી આપણે પ્રચારનું મહત્ત્વ સમજી શકીએ છીએ. (પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૧૮-૨૧ વાંચો.) પાઊલ આસિયામાં પહોંચ્યા એ જ દિવસથી લોકોના ઘરે ઘરે જઈને ખુશખબર જણાવવામાં વ્યસ્ત થઈ ગયા હતા. તેમ જ, પાઊલ બે વર્ષ સુધી નિયમિત રીતે ‘તુરાનસની શાળામાં રોજ વાદવિવાદ કરતા હતા.’ (પ્રે.કૃ. ૧૯:૧, ૮-૧૦) આ પરથી સાફ જોઈ શકાય છે કે પ્રચારનું મહત્ત્વ પાઊલ સમજતા હતા અને એની અસર તેમના રોજિંદાં કામો પર પડી હતી. આપણને કહેવામાં આવ્યું છે કે ‘ખુશખબરનો પ્રચાર કરો, એ કામ અગત્યતાથી કરો.’ જોકે, એનો એવો અર્થ નથી કે એ જવાબદારીના બોજ નીચે દબાઈ જઈએ. પરંતુ, જીવનમાં પ્રચાર કામ પ્રથમ રાખીએ.
૧૦. બાઇબલ વિદ્યાર્થીઓના નાના જૂથને પ્રચારનું અગત્ય સમજાયું હતું, એ માટે આપણે કેમ આભારી છીએ?
૧૦ વર્ષ ૧૯૧૪ પહેલાં બાઇબલ વિદ્યાર્થીઓનું એક નાનું જૂથ હતું. તેઓએ ખુશખબર ફેલાવવામાં સારો દાખલો બેસાડ્યો હતો. તેઓના દાખલામાંથી જોવા મળશે કે પ્રચાર કામ કેટલું મહત્ત્વનું છે. ખરું કે તેઓની સંખ્યા અમુક હજાર લોકોની જ હતી. પરંતુ, તેઓએ પ્રચારનું મહત્ત્વ સમજીને પૂરા ઉત્સાહથી લોકોને રાજ્યનો સંદેશો જાહેર કર્યો. તેઓએ અનેક ન્યૂઝપેપરમાં રાજ્યની ખુશખબર છપાવી હતી. રંગીન ચલચિત્રોના કાર્યક્રમો ગોઠવ્યા હતા, જે “ફોટો ડ્રામા ઑફ ક્રિએશન” તરીકે ઓળખાય છે. આ રીતે તેઓ લાખો લોકો સુધી ખુશખબર પહોંચાડી શક્યા. જો તેઓ પ્રચારનું અગત્ય સમજ્યા ન હોત, તો આપણામાંથી ઘણાને રાજ્યની ખુશખબર મળી ન હોત.—ગીતશાસ્ત્ર ૧૧૯:૬૦ વાંચો.
પ્રચારનું મહત્ત્વ ભૂલીએ નહિ
૧૧. અમુક ભાઈ-બહેનોએ શાના લીધે પ્રચાર કરવાનું મહત્ત્વ ગુમાવ્યું છે?
૧૧ જો વ્યક્તિનું ધ્યાન ફંટાઈ જાય, તો તે વિચારવા લાગશે કે પ્રચાર કામ મહત્ત્વનું નથી. શેતાનની દુનિયા આપણને વ્યક્તિગત બાબતોમાં અને બિનજરૂરી ચીજવસ્તુઓમાં વ્યસ્ત કરી દેવા ચાહે છે. (૧ પીત. ૫:૮; ૧ યોહા. ૨:૧૫-૧૭) એક સમયે જેઓ યહોવાની ભક્તિને જીવનમાં પ્રથમ રાખતા હતા, તેઓએ એનું મહત્ત્વ ગુમાવ્યું છે. પહેલી સદીના ઈશ્વરભક્ત દેમાસનો વિચાર કરો. તે પાઊલ ‘સાથે કામ કરનાર’ હતા. પરંતુ, દુન્યવી બાબતોને લીધે ભક્તિમાંથી તેમનું ધ્યાન ફંટાઈ ગયું. મુશ્કેલીના સમયે પાઊલને હિંમત આપવાને બદલે દેમાસ તેમને છોડીને જતા રહ્યા.—ફિલે. ૨૩, ૨૪; ૨ તીમો. ૪:૧૦.
૧૨. હમણાં આપણી પાસે કઈ તક છે? ભાવિમાં આપણને હંમેશ માટે કેવી તક મળશે?
૧૨ જો આપણે પ્રચાર કામનું મહત્ત્વ જાળવી રાખવું હોય, તો બીજું શું કરવું જોઈએ? જીવનમાં જેટલો આનંદ મળે છે, એના કરતાં વધારે આનંદ મેળવવાનું વલણ ટાળીએ. એને બદલે, ભાવિમાં મળનાર ‘ખરા જીવન’ માટે મહેનત કરીએ. (૧ તીમો. ૬:૧૮, ૧૯) આપણને આશા છે કે ઈશ્વરના રાજમાં ધરતી પર હંમેશ માટેનું જીવન મળશે. એ જીવનમાં મનગમતી બાબતોનો આનંદ માણવા આપણી પાસે અગણિત તક હશે. પરંતુ, હમણાં આપણી પાસે એક ખાસ તક છે. એ છે, લોકોને આર્માગેદનમાંથી બચી જવા માટે મદદ કરીએ.
૧૩. આપણે ઈસુના શિષ્યો બન્યા હોવાથી કઈ રીતે પ્રચાર કામનું મહત્ત્વ જાળવી શકીએ?
૧૩ ખરું કે આજે દુનિયા ફરતે મોટા ભાગના લોકો ભક્તિની બાબતમાં ઊંઘી રહ્યા છે. પરંતુ, ભક્તિનું મહત્ત્વ જાળવી રાખવા આપણને શું મદદ કરશે? આપણે એ યાદ કરવું જોઈએ કે એક સમયે આપણે પણ ઊંઘમાં હતા. પરંતુ આપણને જગાડવામાં આવ્યા છે. આપણે યહોવા અને ઈસુ વિષેનું સત્ય જાણ્યું છે. હવે આપણી પાસે એ સત્ય ફેલાવવાનો લહાવો છે. (એફેસી ૫:૧૪ વાંચો.) પાઊલે લખ્યું: ‘કાળજીપૂર્વક સંભાળ રાખો કે તમે મૂર્ખની જેમ નહિ, પણ ડાહ્યા માણસની જેમ ચાલો. સમયનો સદુપયોગ કરો, કેમ કે દિવસો ખરાબ છે.’ (એફે. ૫:૧૫, ૧૬) ચાલો, આજના ખરાબ દિવસોમાં ભક્તિમાં સજાગ રહી શકીએ એ માટે ‘સમયનો સારો ઉપયોગ’ કરીએ.
આપણે બહુ મહત્ત્વના સમયમાં જીવીએ છીએ
૧૪-૧૬. રાજ્યનો પ્રચાર કરવો આજે કેમ બહુ અગત્યનું છે?
૧૪ શરૂઆતથી જ પ્રચાર કામ મહત્ત્વનું રહ્યું છે. પરંતુ, હવે વધારે અગત્યનું કામ બની ગયું છે. બાઇબલમાં જણાવેલી છેલ્લા સમયની નિશાનીઓ ૧૯૧૪ પછી વધારે સાફ દેખાઈ આવી છે. (માથ. ૨૪:૩-૫૧) મનુષ્યોનું અસ્તિત્વ ખૂબ જ જોખમમાં આવી પડ્યું છે. દુનિયાના કેટલાક શક્તિશાળી દેશોએ અણુશસ્ત્રો નહિ વાપરવાં માટે કરારો કર્યા છે. છતાં, તેઓ પાસે લગભગ ૨,૦૦૦ જેટલાં અણુશસ્ત્રો છે, જે તરત વાપરી શકાય એવાં છે. કેટલાક અધિકારીઓ જણાવે છે કે અણુશસ્ત્રો ‘ખોવાઈ ગયાં’ હોવાના ઘણા કિસ્સાઓ પણ નોંધાયા છે. શું એ શસ્ત્રો આતંકવાદીઓના હાથમાં આવી ગયા છે? અમુક લોકો જણાવે છે કે જો આતંકવાદીઓ યુદ્ધ છેડે, તો આખી માણસજાતનો સહેલાઈથી નાશ થઈ શકે. પરંતુ, ફક્ત યુદ્ધ જ એક જોખમ નથી.
૧૫ ‘ધ લેનસેટ અને યુનિવર્સિટી કૉલેજ લંડનʼનો ૨૦૦૯નો અહેવાલ જણાવે છે: ‘૨૧મી સદીનું સૌથી મોટું જોખમ એ દુનિયાના તાપમાનમાં થતાં ફેરફારો છે. એ ફેરફારોને લીધે મનુષ્યોની તંદુરસ્તી પર અસર પડી છે. આવતાં અમુક વર્ષો દરમિયાન મોટા ભાગની વસ્તીમાં એની અસર દેખાઈ આવશે. તેમ જ, અબજો લોકોનું જીવન જોખમમાં આવી પડશે.’ ઉપરાંત, દરિયાની સપાટીમાં વધારો, દુકાળ, પૂર, કોઈ બીમારી ફાટી નીકળવી, વાવાઝોડાં અને કુદરતી તત્ત્વો ખૂટી જવાથી યુદ્ધો થવાનો પણ ખતરો છે. આ બધી આફતોથી મોટા પાયે વિનાશ થઈ શકે. તેથી, જોઈ શકાય છે કે મનુષ્યો પર યુદ્ધો અને આફતોનું મોટું જોખમ રહેલું છે.
૧૬ અમુક લોકો માને છે કે અણુયુદ્ધ થવાથી, બાઇબલમાં આપેલી “નિશાની” પૂરી થશે. પરંતુ, બાઇબલમાં આપેલી નિશાનીઓ વિષેની હકીકત મોટા ભાગના લોકો સમજી શકતા નથી. એ નિશાનીઓ ઘણા વર્ષોથી દેખાઈ રહી છે. એ સાબિતી આપે છે કે ઈસુ ખ્રિસ્ત હાલમાં રાજ કરી રહ્યા છે. તેમ જ, આ દુષ્ટ દુનિયાનો અંત જલદી જ આવી રહ્યો છે. (માથ. ૨૪:૩) ઇતિહાસમાં પહેલાં કદી એ બધી નિશાનીઓ એક સાથે બની ન હતી. એટલે જ ભક્તિની બાબતમાં ઊંઘી ગયેલા લોકોએ હમણાં જ જાગવાની જરૂર છે. પ્રચાર કરીને આપણે તેઓને જાગવા મદદ કરી શકીએ છીએ.
૧૭, ૧૮. (ક) અંત નજીક છે એટલે આપણે શું કરવાની જરૂર છે? (ખ) લોકો કયા કારણને લીધે રાજ્યના સંદેશામાં રસ બતાવી શકે?
૧૭ આ છેલ્લા દિવસોમાં યહોવા માટેના પ્રેમની સાબિતી આપવા અને પ્રચાર કામ પૂરું કરવા આપણી પાસે થોડો જ સમય બાકી છે. પહેલી સદીના રોમના ખ્રિસ્તીઓને પાઊલે આપેલી સલાહ આજે આપણા માટે પણ બહુ અગત્યની છે: “એ યાદ રાખો કે હમણાં તમારે ઊંઘમાંથી ઊઠવાની વેળા આવી ચૂકી છે. કારણ કે જે વેળાએ આપણે વિશ્વાસ કરવા માંડ્યો, તે કરતાં હાલ આપણું તારણ નજીક આવેલું છે.”—રોમ. ૧૩:૧૧.
૧૮ આ છેલ્લા સમયમાં થઈ રહેલા બનાવો લોકોને અહેસાસ કરાવે છે કે તેઓએ ઈશ્વર સાથે સંબંધ બાંધવાની જરૂર છે. અમુક લોકો જ્યારે વિચાર કરે છે કે માણસની સરકારો નિષ્ફળ ગઈ છે, ત્યારે તેઓને ઈશ્વરના રાજ્યના સંદેશામાં રસ જાગે છે. લોકો સમજી શકે છે કે સરકારો આર્થિક મુશ્કેલીઓ, અણુશસ્ત્રોનું જોખમ, હિંસા અને પૃથ્વીને થતાં બગાડને દૂર કરી શકી નથી. તો અમુક લોકો રાજ્યના સંદેશામાં આ કારણોસર રસ બતાવે છે: કુટુંબની તકલીફો, બગડતી તબિયત, છૂટાછેડા કે પ્રિયજનના મૃત્યુનું દુઃખ. તેથી, આપણે પ્રચારમાં હોઈએ ત્યારે એવા લોકોને મદદ કરીએ.
પ્રચારનું મહત્ત્વ જાણવાથી પ્રેરણા મળી
૧૯, ૨૦ ભક્તિ માટેનું મહત્ત્વ જાણીને ઘણા ભાઈ-બહેનોએ જીવનમાં કેવા ફેરફારો કર્યા છે?
૧૯ પ્રચાર કામનું અગત્ય જાણવાથી ઘણા ભાઈ-બહેનો પ્રચારમાં વધારે કરવા પ્રેરાયા છે. દાખલા તરીકે, ઈક્વેડોરમાં રહેતા એક યુગલે પોતાનું જીવન સાદું બનાવવાનો નિર્ણય કર્યો. એ માટે તેઓને ૨૦૦૬ના ખાસ સંમેલન ‘તમારી આંખો નિર્મળ રાખોʼમાંથી ઉત્તેજન મળ્યું. તેઓએ એવી ચીજવસ્તુનું લીસ્ટ બનાવ્યું, જે બિનજરૂરી હતી. ત્રણ મહિનાની અંદર તેઓ ત્રણ બેડરૂમવાળું ઘર છોડીને એક બેડરૂમવાળા ઘરમાં રહેવા ગયા. તેઓએ અમુક ચીજવસ્તુઓ વેચી દીધી અને બધું દેવું ભરપાઈ કરી દીધું. એ પછીના થોડા જ સમયમાં તેઓ સહાયક પાયોનિયર બન્યા. તેમ જ, પ્રવાસી નિરીક્ષકનાં સૂચનો સ્વીકારીને તેઓ એવા મંડળમાં જોડાયા, જ્યાં વધારે જરૂર હતી.
૨૦ ઉત્તર અમેરિકામાં રહેતા એક ભાઈ લખે છે કે ‘અમે પતિ-પત્નીએ ૨૦૦૬માં અમારા બાપ્તિસ્માનાં ૩૦ વર્ષ પૂરાં કર્યાં. એ વર્ષે સંમેલનમાં હાજરી આપ્યા પછી ઘરે જતી વખતે અમે ચર્ચા કરી. એ જ કે સંમેલનમાંથી શીખેલી સલાહ કઈ રીતે લાગુ પાડી શકાય. ખાસ તો કેવી રીતે અમારું જીવન સાદું બનાવી શકાય. (માથ. ૬:૧૯-૨૨) અમારી પાસે ત્રણ ઘર, જમીન, મોંઘી ગાડીઓ, મોટરબોટ અને રહેવાની સગવડ ધરાવતી વાન (મોટરહોમ) પણ હતી. અમને લાગ્યું કે અમે ચીજવસ્તુઓ મેળવવા પાછળ સમય-શક્તિ વેડફ્યા છે. પણ અમે પૂરા સમયની સેવા કરવાનો ધ્યેય બાંધ્યો. ૨૦૦૮ના વર્ષમાં અમારી દીકરી સાથે અમે પણ પાયોનિયરીંગ કરવા લાગ્યા. ભાઈ-બહેનો સાથે કામ કરવાનો કેટલો અનોખો આનંદ! અમને ખુશી થાય છે કે જ્યાં વધારે જરૂર હતી ત્યાં અમે સેવા આપી છે. વધુમાં, યહોવા માટે વધારે કરવાથી અમે તેમની વધારે નજીક ગયા છીએ. ખાસ તો લોકો જ્યારે બાઇબલ સત્ય સમજે છે, ત્યારે તેઓની આંખમાં અનેરી ચમક જોવાનો અમને લહાવો મળ્યો છે.’
૨૧. કયા જ્ઞાનને લીધે આપણે પ્રચારને બહુ અગત્યનું ગણીએ છીએ?
૨૧ આપણે જાણીએ છીએ કે ‘ન્યાયકાળ તથા અધર્મી માણસોના નાશનો દિવસ’ જલદી જ આવી રહ્યો છે. (૨ પીત. ૩:૭) બાઇબલમાંથી આપણે જ્ઞાન મેળવ્યું છે. એટલે આપણે ઉત્સાહથી મહાન વિપત્તિ અને એ પછીની નવી દુનિયા વિષે જણાવવા માંગીએ છીએ. લોકોને ખરી આશા આપવી કેટલી મહત્ત્વની છે, એ આપણે સમજી શક્યા છીએ. તેથી, આ ખૂબ જ અગત્યના કામમાં ભાગ લઈને આપણે ઈશ્વર અને લોકો માટે પ્રેમ બતાવીએ છીએ. (w12-E 03/15)
[અભ્યાસ પ્રશ્નો]