ભ્રષ્ટાચાર કેટલી હદે ફેલાયેલો છે?
“અમારી કંપની એક સરકારી ખાતાને અમુક સેવા પૂરી પાડે છે. એ સેવા માટેનું પેમેન્ટ મેળવવા અમારે ઘણી વાર ત્રણથી ચાર મહિના સુધી રાહ જોવી પડે છે. હાલમાં એક સરકારી કર્મચારીનો મને ફોન આવ્યો કે તે પેમેન્ટ જલદીથી કરાવી આપશે, એ માટે જો તેને બક્ષિસ આપવામાં આવે તો.”—જોન. *
શું તમે કદી ભ્રષ્ટાચારનો શિકાર થયા છો? ઉપર જેવો અનુભવ કદાચ તમને થયો નહિ હોય, પણ અમુક અંશે ભ્રષ્ટાચારની અસરનો ભોગ બન્યા હશો.
ટ્રાન્સ્પેરન્સી ઇન્ટરનેશનલ સંસ્થાના ૨૦૧૧ના કરપ્શન પર્સેપ્શન ઇન્ડેક્સ * પ્રમાણે, ૧૮૩ દેશો અને વિસ્તારોમાંથી મોટા ભાગનાને એવો ક્રમ મળ્યો છે, જે દર્શાવે છે કે તેઓના દેશમાં ભ્રષ્ટાચારની ગંભીર સમસ્યા છે. બે વર્ષ પહેલાં, ટ્રાન્સ્પેરન્સી ઇન્ટરનેશનલે ૨૦૦૯ના વાર્ષિક અહેવાલમાં ભ્રષ્ટાચાર વિશેની હકીકત જણાવી: ‘દુનિયાનો એવો કોઈ ખૂણો નથી, જ્યાં ભ્રષ્ટાચાર નથી.’
“પોતાના અંગત લાભ માટે પોતાને મળેલી સત્તા કે પાવરનો કોઈ પણ રીતે દુરુપયોગ કરવો એટલે ભ્રષ્ટાચાર. સત્તા ધરાવતા અધિકારીઓની ઈમાનદારી પર જેઓનું જીવન-ગુજરાન અથવા સુખ નભતું હોય અને એ અધિકારીઓ ભ્રષ્ટાચાર કરે ત્યારે લોકોને દુઃખ પહોંચે છે.”—ટ્રાન્સ્પેરન્સી ઇન્ટરનેશનલ
અમુક કિસ્સાઓમાં ભ્રષ્ટાચારની અસર ખતરનાક હોઈ શકે. દાખલા તરીકે, હૈતીમાં આવેલા ૨૦૧૦ના જબરદસ્ત ભૂકંપમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યો. અમુક અંશે એનું કારણ “ભ્રષ્ટાચાર અને બેદરકારી” પણ હતાં, એમ ટાઈમ મૅગેઝિને જણાવ્યું. આગળ જણાવતા મૅગેઝિને આમ કહ્યું, “સરકારી અધિકારીઓને ઘણી લાંચ આપવામાં આવે છે અને એન્જિનિયરોના સાવ ઓછાં માર્ગદર્શનથી બિલ્ડિંગો બંધાતી જાય છે.”
ભ્રષ્ટાચારને મિટાવવાનો કોઈ ઇલાજ છે? આ સવાલનો જવાબ મેળવતા પહેલાં, ચાલો ભ્રષ્ટાચાર પાછળનાં મૂળ કારણો સમજીએ. આપણે હવે પછીના લેખમાં એની ચર્ચા કરીશું. (w12-E 10/01)