સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

મુસા નમ્ર હતા

મુસા નમ્ર હતા

નમ્રતા શાને કહેવાય?

નમ્ર વ્યક્તિમાં ઘમંડ કે અભિમાનનો છાંટો પણ હોતો નથી. નમ્ર વ્યક્તિ એવું નહિ વિચારે કે પોતે બીજાથી ચડિયાતી છે. તે સ્વીકારે છે કે પોતાથી ભૂલો થાય છે અને તે પોતાની મર્યાદાઓ જાણે છે.

મુસાએ કઈ રીતે નમ્રતા બતાવી?

તેમને મળેલી જવાબદારીથી તે ફૂલાઈ ન ગયા. વ્યક્તિને થોડી પણ જવાબદારી મળે એટલે મોટા ભાગે તે અભિમાનથી ફુલાઈ જાય છે. એ વિશે ૧૯મી સદીના લેખક રોબર્ટ. જી. ઈંગરસોલે કહ્યું: વ્યક્તિ પોતાનો અધિકાર વાપરે છે એનાથી પારખી શકાય કે તે કેટલી નમ્ર છે. એ અર્થમાં કહી શકાય કે મુસાએ નમ્રતાનો સૌથી સારો દાખલો બેસાડ્યો હતો. કઈ રીતે?

યહોવા ઈશ્વરે મુસાને ઈસ્રાએલીઓના આગેવાન બનાવ્યા હતા. એ એક મોટી જવાબદારી હતી. તોપણ એનાથી મુસા ઘમંડી ન બન્યા. એક બનાવનો વિચાર કરીએ. વારસાના હક્ક વિશે સવાલ ઊભો થયો ત્યારે, મુસાએ સમજદારીથી એને થાળે પાડ્યો. (ગણના ૨૭:૧-૧૧) એ મહત્ત્વનો સવાલ હતો. કેમ કે, એનો નિર્ણય ફક્ત એ સમયના લોકોને નહિ, આવનાર પેઢીને પણ અસર કરવાનો હતો.

મુસાએ શું કર્યું? શું તેમણે એવું વિચાર્યું કે પોતે ઈસ્રાએલના આગેવાન હોવાથી પોતાની રીતે નિર્ણય લેશે? શું તેમણે પોતાની આવડત કે વર્ષોના અનુભવ પર ભરોસો રાખ્યો? કે પછી એવું વિચાર્યું કે યહોવાના વિચારો પ્રમાણે હું જ નિર્ણય લઈ લઉં?

કદાચ કોઈ ઘમંડી વ્યક્તિ એમ કરત. પણ મુસાએ એવું ન કર્યું. બાઇબલ જણાવે છે કે ‘મુસા તેઓની વાત યહોવા સંમુખ લાવ્યા.’ (ગણના ૨૭:૫) જરા વિચારો! મુસાએ ૪૦થી વધારે વર્ષ ઈસ્રાએલીઓને દોર્યા. તોય તેમણે પોતા પર નહિ, પણ યહોવા પર ભરોસો રાખ્યો. એનાથી સ્પષ્ટ દેખાય આવે છે કે મુસા ઘણા નમ્ર હતા.

મુસાએ એવું ન વિચાર્યું કે ફક્ત પોતાને અધિકાર મળવો જોઈએ. યહોવાએ બીજા ઈસ્રાએલીઓને પ્રબોધક તરીકે પસંદ કર્યાં ત્યારે મુસા ખુશ થયા. (ગણના ૧૧:૨૪-૨૯) મુસાના સસરાએ તેમને અમુક જવાબદારી બીજાને સોંપી દેવાની સલાહ આપી ત્યારે, તેમણે એ સલાહ નમ્રતાથી સ્વીકારી. (નિર્ગમન ૧૮:૧૩-૨૪) મોટી ઉંમરે તે તંદુરસ્ત હતા, તોપણ બીજા આગેવાન પસંદ કરવાની તેમણે યહોવાને વિનંતી કરી. યહોવાએ જ્યારે યુવાન યહોશુઆને પસંદ કર્યા, ત્યારે મુસાએ તેમને પૂરો સાથ આપ્યો. તેમ જ, લોકોને આજીજી કરી કે વચનના દેશમાં જવા યહોશુઆની આગેવાનીને સાથ આપે. (ગણના ૨૭:૧૫-૧૮; પુનર્નિયમ ૩૧:૩-૬; ૩૪:૭) ઈસ્રાએલીઓને ભક્તિમાં દોરવાનો મુસાએ લહાવો ગણ્યો. તેમ છતાં, તેમણે પોતાના અધિકારને નહિ પણ લોકોની ભલાઈને વધારે મહત્ત્વ આપ્યું.

એમાંથી આપણે શું શીખી શકીએ?

આપણી પાસે સત્તા, અધિકાર કે આવડત હોય તોપણ અભિમાન ન કરવું જોઈએ. યાદ રાખીએ કે યહોવાના કામમાં આવડત કરતાં નમ્રતા વધારે મહત્ત્વની છે. (૧ શમૂએલ ૧૫:૧૭) આપણે નમ્ર હોઈશું તો બાઇબલની આ સલાહ પાળવા તત્પર રહીશું: “તારા ખરા હૃદયથી યહોવા પર ભરોસો રાખ, અને તારી પોતાની જ અક્કલ પર આધાર ન રાખ.”—નીતિવચનો ૩:૫, ૬.

મુસાના ઉદાહરણમાંથી શીખવા મળે છે કે આપણે માન-મોભો કે અધિકારને વધારે મહત્ત્વ આપવું ન જોઈએ.

મુસા જેવી નમ્રતા બતાવવાથી શું આપણને કોઈ લાભ થાય છે? હા, ચોક્કસ! આપણે દિલથી નમ્રતા બતાવીએ છીએ ત્યારે, આપણી સંગત રાખતા લોકોનું જીવન પણ આનંદી બને છે. તેમ જ, તેઓને આપણી સાથે સંગત માણવાનું ગમે છે. સૌથી મહત્ત્વનું તો આપણી નમ્રતાથી યહોવાને આનંદ થાય છે. અરે, યહોવા પોતે પણ અજોડ રીતે નમ્રતા બતાવે છે. (ગીતશાસ્ત્ર ૧૧૩:૬) “ઈશ્વર ગર્વિષ્ઠોની વિરુદ્ધ છે, પણ તે નમ્ર માણસો પર કૃપા રાખે છે.” (૧ પીતર ૫:૫) મુસા જેવી નમ્રતા બતાવવાનું આપણી પાસે કેટલું સારું કારણ છે! (w13-E 02/01)