બાઇબલ સવાલોના જવાબો
આખી દુનિયામાં શાંતિ લાવવી કેમ મુશ્કેલ છે?
એ વિશે બાઇબલ બે મુખ્ય કારણો જણાવે છે. પહેલું, ભલે માણસોએ મોટી મોટી સિદ્ધિઓ મેળવી હોય, પણ તેઓને એવી ક્ષમતા સાથે બનાવવામાં આવ્યા નથી કે પોતાના માટે ખરો માર્ગ નક્કી કરી શકે. બીજું, માણસોની યોજનાઓ નિષ્ફળ જવાનું કારણ એ છે કે, “આખું જગત તે દુષ્ટની સત્તામાં રહે છે.” એ દુષ્ટ બીજું કોઈ નહિ, પણ શેતાન છે. એટલે જ, માણસોના પ્રયત્નોથી દુનિયામાં શાંતિ લાવવી અશક્ય છે.—યિર્મેયા ૧૦:૨૩; ૧ યોહાન ૫:૧૯ વાંચો.
મનુષ્યોમાં સ્વાર્થી ઇચ્છાઓ અને મહત્ત્વાકાંક્ષાઓ હોવાને લીધે પણ દુનિયામાં શાંતિ લાવવી અઘરી છે. પરંતુ, જો આખી દુનિયામાં એવી એક સરકાર હોય જે લોકોને સાચી બાબતો કરવાનું અને બીજાઓની સંભાળ રાખવાનું શીખવે, તો દુનિયામાં જરૂર શાંતિ આવશે.—યશાયા ૩૨:૧૭; ૪૮:૧૮, ૨૨ વાંચો.
દુનિયામાં શાંતિ કોણ લાવશે?
સર્વશક્તિમાન ઈશ્વરે એક સરકાર લાવવાનું વચન આપ્યું છે, જે બધા મનુષ્યો પર રાજ કરશે. એ સરકાર માણસોની સરકારોને કાઢી નાંખશે. (દાનીયેલ ૨:૪૪) ઈશ્વરના દીકરા, ઈસુ ‘શાંતિના સરદાર’ તરીકે રાજ કરશે. તે આખી દુનિયામાંથી સર્વ દુષ્ટતા કાઢી નાંખશે અને લોકોને શાંતિનો માર્ગ શીખવશે.—યશાયા ૯:૬, ૭; ૧૧:૪, ૯ વાંચો.
આજે ઈસુના માર્ગદર્શન નીચે, લાખો લોકો દુનિયાભરમાં બાઇબલમાંથી શીખવે છે કે, એકબીજા સાથે શાંતિ-સંપીને કેવી રીતે રહેવું. બહુ જ જલદી દુનિયામાં ખરેખર શાંતિ હશે!—યશાયા ૨:૩, ૪; ૫૪:૧૩ વાંચો. (w13-E 06/01)