ઈશ્વરની પાસે આવો
શું યહોવા ખરેખર તમારી સંભાળ રાખે છે?
એક સ્ત્રીને એવું લાગતું હતું કે પોતાનામાં એવું કંઈ નથી કે જેના લીધે યહોવા તેની સંભાળ રાખે. તે આમ કહે છે: “ઈશ્વરની પાસે જતા મને જો સૌથી વધારે કંઈ રોકતું હોય તો એ છે, નકામાપણાની લાગણી. એને વશ કરવા હું પ્રયત્ન કરું છું.” શું તમને પણ એવું જ લાગે છે? જો એવું હોય તો, તમને કદાચ થતું હશે, ‘શું યહોવાને પોતાના દરેક ભક્તની ખરેખર ચિંતા છે?’ હા, જરૂર! એની સાબિતી આપણને ઈસુના શબ્દોમાં જોવા મળે છે, જે બતાવે છે કે યહોવા દરેક ભક્તની સંભાળ રાખે છે.—યોહાન ૬:૪૪ વાંચો.
ઈસુ એ વિશે શું કહે છે? ઈસુ જે હદે યહોવાની ઇચ્છાઓ અને ગુણો વિશે જાણે છે એટલું કોઈ નથી જાણતું. (લુક ૧૦:૨૨) ઈસુ જણાવે છે: “મારા બાપે મને મોકલ્યો છે, તેના ખેંચ્યા વિના કોઈ માણસ મારી પાસે આવી નથી શકતો.” એટલે, યહોવા આપણને ખેંચે નહિ ત્યાં સુધી, આપણે ઈસુ ખ્રિસ્તને પગલે ચાલનારા અને આપણા સ્વર્ગમાંના પિતા યહોવાના ભક્ત બની શકતા નથી. (૨ થેસ્સાલોનીકી ૨:૧૩) જો આપણે ઈસુના શબ્દોનો અર્થ સમજીએ તો, પાકો પુરાવો જોઈ શકીશું કે ઈશ્વર દરેક ભક્તની ચિંતા કરે છે.
યહોવા આપણને ખેંચે છે એનો શું અર્થ થાય? “ખેંચવું” માટે વપરાયેલું ગ્રીક ક્રિયાપદ બીજી બાબત દર્શાવવા પણ વપરાયું છે. જેમ કે, માછલીને જાળમાં દોરી જવી. (યોહાન ૨૧:૬, ૧૧) શું યહોવા આપણી ઇચ્છા વિરુદ્ધ, બળજબરીથી તેમની ભક્તિ કરવા દોરે છે? ના. યહોવાએ આપણને જાતે પસંદગી કરવાની આઝાદી આપી છે, એટલે તે બળજબરીથી પોતાની તરફ આપણને ખેંચતા નથી. (પુનર્નિયમ ૩૦:૧૯, ૨૦) કોણ પોતાના વિશે જાણવા માંગે છે, એ જોવા યહોવા કરોડો લોકોના દિલ તપાસે છે. (૧ કાળવૃત્તાંત ૨૮:૯) જ્યારે તેમને એવી વ્યક્તિ મળે છે, ત્યારે તે કોમળ રીતે વર્તે છે. કઈ રીતે?
જેઓના હૃદય ખરાં છે તેઓને યહોવા ધીમે ધીમે પોતાની તરફ આકર્ષે છે અથવા દોરે છે. યહોવા બે રીતે એમ કરે છે. એક, દરેક સુધી બાઇબલની ખુશખબર પહોંચાડીને. બીજું, પોતાની પવિત્ર શક્તિની મદદથી. જ્યારે યહોવા જુએ છે કે વ્યક્તિ ખરા દિલથી બાઇબલ સત્ય જીવનમાં ઉતારી રહી છે, ત્યારે તે પોતાની શક્તિ દ્વારા એ વ્યક્તિને સત્ય સમજવા અને તેના જીવનમાં લાગુ પાડવા મદદ કરે છે. (૧ કોરીંથી ૨:૧૧, ૧૨) આપણે ઈશ્વરની મદદ વગર ઈસુને પગલે ચાલનારા અને યહોવાના ખરા ભક્તો કદી બની શકતા નથી.
યહોવાએ આપણને જાતે પસંદગી કરવાની આઝાદી આપી છે, એટલે તે બળજબરીથી પોતાની તરફ આપણને ખેંચતા નથી
તો પછી, યોહાન ૬:૪૪ના ઈસુના શબ્દો આપણને યહોવા ઈશ્વર વિશે શું શીખવે છે? તે લોકોમાં કંઈક સારું જોતા હોવાથી અને દરેકની ફિકર કરતા હોવાથી તેઓને પોતાની તરફ દોરે છે. શરૂઆતમાં જે સ્ત્રી વિશે જણાવ્યું હતું, તેને આ આશ્વાસન આપતા સત્યની સમજ પડ્યા પછી દિલાસો મળ્યો. તેણે કહ્યું: “યહોવાના ભક્ત બનવા જેવો બીજો કોઈ જ લહાવો નથી. યહોવા મને તેમની ભક્ત તરીકે પસંદ કરે તો, એનો અર્થ થાય કે તેમને મન હું મૂલ્યવાન છું.” તમારા વિશે શું? યહોવા પોતાના દરેક ભક્તની ચિંતા કરે છે, એ જાણીને શું તમને તેમની પાસે જવાનું મન નથી થતું? (w13-E 05/01)