ઈશ્વરની પાસે આવો
“જુઓ, હું સઘળું નવું બનાવું છું”
શું તમે પોતા માટે અને તમારાં કુટુંબનાં સભ્યો માટે તંદુરસ્ત તથા લાંબા જીવનની ઇચ્છા રાખો છો? શું તમે એવી દુનિયાની આશા રાખો છો જ્યારે દુઃખ, દર્દ અને મરણ ન હોય? એવી દુનિયા ફક્ત એક કલ્પના નથી. જલદી જ, ન્યાયી નવી દુનિયા હકીકત બનશે, કેમ કે એ યહોવા ઈશ્વરનો હેતુ છે. તેમનો હેતુ કઈ રીતે પૂરો થશે એ વિશે પ્રકટીકરણ ૨૧:૩-૫માં જણાવ્યું છે, ચાલો એનો વિચાર કરીએ.—વાંચો.
‘ઈશ્વર તેઓની આંખોમાંનું દરેક આંસુ લૂછી નાખશે.’ (પ્રકટીકરણ ૨૧:૪) કેવાં પ્રકારનાં આંસુઓ તે લૂછી નાખશે? આંખોનું રક્ષણ કરે એવાં આંસુઓ કે ખુશીનાં આંસુઓ નહિ. પણ દુઃખ-તકલીફને લીધે આવતાં આંસુઓ વિશે ઈશ્વરનું વચન વાત કરે છે. ઈશ્વર ફક્ત આંસુઓને સૂકવી નહિ નાખે, પણ આંસુઓનું કારણ એટલે કે દુઃખ-દર્દને પૂરેપૂરી રીતે કાઢી નાખીને આંસુઓ લૂછી નાખશે.
“મરણ ફરીથી થનાર નથી.” (પ્રકટીકરણ ૨૧:૪) મરણને લીધે એટલું દુઃખ થાય છે કે આંસુઓનો પાર રહેતો નથી. મરણના પંજામાંથી આજ્ઞાંકિત મનુષ્યોને યહોવા છોડાવશે. કઈ રીતે? મરણનું મુખ્ય કારણ, આદમથી મળેલું પાપ છે. ઈશ્વર એ પાપ દૂર કરશે. (રોમનો ૫:૧૨) ઈસુના બલિદાનને આધારે યહોવા મનુષ્યોને સંપૂર્ણતા તરફ દોરી જશે. * પછી, છેલ્લા દુશ્મન મરણનો “નાશ” કરવામાં આવશે. (૧ કોરીંથી ૧૫:૨૬) છેવટે, ઈશ્વરનો હેતુ પૂરો થશે. આમ, વફાદાર મનુષ્યો હંમેશ માટે તંદુરસ્ત જીવન જીવી શકશે.
“દુઃખ ફરીથી થનાર નથી.” (પ્રકટીકરણ ૨૧:૪) કેવું દુઃખ દૂર કરવામાં આવશે? પાપ અને અપૂર્ણતાને લીધે માનસિક, શારીરિક અને લાગણીમય દુઃખ પડે છે. એના લીધે લાખો લોકો હેરાન-પરેશાન થાય છે. આવાં બધાં દુઃખોથી છૂટકારો મળશે.
દુઃખ, આંસુ અને મરણ વગરનું જીવન જલદી જ હકીકત બનશે. તમે પૂછશો કે, ‘પણ આવું કઈ જગ્યાએ થશે? શું ઈશ્વરનું વચન સ્વર્ગના જીવન વિશે વાત કરે છે?’ ના. ચાલો એનાં કારણો જોઈએ. પહેલું, વચનની શરૂઆતમાં આમ જણાવ્યું છે: “ઈશ્વરનો મંડપ માણસોની સાથે છે.” અને માણસોનું રહેઠાણ તો પૃથ્વી છે. (પ્રકટીકરણ ૨૧:૩) બીજું, વચન એવી દુનિયા વિશે જણાવે છે કે જ્યાં “મરણ ફરીથી થનાર નથી.” એટલે કે, મરણને કાઢી નાખવામાં આવશે. સ્વર્ગમાં મરણ હોતું નથી, પણ પૃથ્વી પર એ વર્ષોથી છે. એ સ્પષ્ટ રીતે બતાવે છે કે સુખી જીવન વિશે ઈશ્વરનું વચન આ જ પૃથ્વી ઉપર પૂરું થશે.
દુઃખ અને દર્દને લીધે વહેતી આંસુઓની નદી યહોવા સૂકવી નાખશે
યહોવા ઈશ્વર ચાહે છે કે આપણે ન્યાયી નવી દુનિયાના વચન પર ભરોસો મૂકીએ. ભાવિના આશીર્વાદો વિશે જણાવ્યા પછી તે આમ કહીને ખાતરી આપે છે: “જુઓ, હું સઘળું નવું બનાવું છું.” તે આગળ જણાવે છે: “આ વાતો વિશ્વાસયોગ્ય તથા સત્ય છે.” (પ્રકટીકરણ ૨૧:૫) ઈશ્વરના ભક્તો તેમનાં વચનો હકીકત બનતાં જોશે. તમે અને તમારાં કુટુંબનાં સભ્યો એમાંના એક કઈ રીતે બની શકો, એ વિશે શીખવા અમે તમને ઉત્તેજન આપીએ છીએ. (w13-E 12/01)
આ બાઇબલ વાંચન કરી શકો:
^ ફકરો. 3 ખ્રિસ્તે આપેલા બલિદાન વિશે વધુ જાણવા પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તકનું પ્રકરણ પાંચ જુઓ. એ યહોવાના સાક્ષીઓએ બહાર પાડ્યું છે.