મુખ્ય વિષય | ચિંતાનો સામનો કઈ રીતે કરવો?
ચારેબાજુ ચિંતા
“હું દુકાનમાં ખોરાક ખરીદવા ગયો, પરંતુ મને ફક્ત બિસ્કિટ મળ્યા. અને એની કિંમત ૧૦,૦૦૦ ગણી વધારે હતી. બીજા દિવસે તો, એ દુકાનોમાં ખાવા માટે કશું જ ન હતું.”—પૉલ, ઝિમ્બાબ્વે.
“એક દિવસે મારા પતિએ કહ્યું કે, હું તને છોડીને જાઉં છું. મને થયું કે, હું એ વિશ્વાસઘાતને કઈ રીતે સહન કરી શકીશ? મારાં બાળકોનું શું થશે?”—જેનેટ, યૂનાઇટેડ સ્ટેટ્સ.
“સાઇરન વાગે કે તરત હું બચાવ માટે અહીં તહીં દોડતી. બૉમ્બ ફૂટવાનો અવાજ આવતા જ હું જમીન પર સૂઈ જતી. કલાકો પછી પણ, મારા હાથ ધ્રૂજતા.”—એલોન, ઇઝરાયલ.
આજે આપણે બધા લોકો ‘સંકટના વખતોમાં’ જીવતા હોવાથી ચિંતાથી ઘેરાયેલા છીએ. (૨ તીમોથી ૩:૧) ઘણા લોકો પૈસાની તંગી, કુટુંબમાં ભાગલા, યુદ્ધ, જીવલેણ બીમારીઓ અને કુદરતી અથવા માનવસર્જિત આફતોનો સામનો કરે છે. એ ઓછું હોય તેમ, વ્યક્તિને પોતાની અને કુટુંબની પણ ચિંતા હોય છે. જેમ કે, ‘મારા શરીરમાં જે ગુમડું થયું છે, શું એ કૅન્સરનું છે?’ ‘મારાં બાળકો મોટાં થશે અને તેઓનાં બાળકો થશે ત્યારે, દુનિયાની હાલત કેવી હશે?’
અમુક હદે ચિંતા થાય એ સ્વાભાવિક છે. આપણે જ્યારે કોઈ પરીક્ષા આપવા, લોકો સામે કંઈ રજૂ કરવા અથવા નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવા જઈએ, ત્યારે થોડી ઘણી ચિંતા થાય એ સામાન્ય છે. અમુક હદે જોખમનો ડર આપણને નુકસાનથી દૂર રહેવા મદદ કરે છે. પરંતુ, વધુ પડતી અથવા સતત ચિંતા કરતા રહેવામાં જોખમ રહેલું છે. હાલમાં જ ૬૮,૦૦૦ કરતાં વધુ લોકો પર એક અભ્યાસ કરવામાં આવ્યો. એનાથી જાણવા મળ્યું કે, થોડી ચિંતા કરવાથી પણ અકાળે મોતનું જોખમ રહેલું છે. એ કારણથી ઈસુએ પૂછ્યું હતું: “શું ચિંતા કરવાથી તમારા આયુષ્યમાં એકાદ ક્ષણનોય વધારો થઈ શકે?” સાચે જ, ચિંતા કરવાથી કોઈનું જીવન વધતું નથી. તેથી, ઈસુએ આ સલાહ આપી: “ચિંતા ન કરો.” (માથ્થી ૬:૨૫, ૨૭, IBSI) પરંતુ, સવાલ થાય કે શું એ શક્ય છે?
એનો જવાબ આપણને વ્યવહારુ પગલાં ભરવાથી, ઈશ્વરમાં શ્રદ્ધા રાખવાથી અને ભાવિની સુંદર આશા રાખવાથી મળે છે. બની શકે કે, આપણે હાલમાં ખરાબ સંજોગોનો સામનો કરતા ન હોઈએ. પરંતુ, ભાવિમાં કદાચ એનો સામનો કરવો પડે. તેથી, ચાલો જોઈએ કે એ ત્રણ પગલાં ભરવાથી પૉલ, જેનેટ અને એલોનને કઈ રીતે ચિંતાનો સામનો કરવા મદદ મળી. (w૧૫-E ૦૭/૦૧)