જુઓ, શું બની રહ્યું છે!
વૈજ્ઞાનિકોએ પ્રલયની ઘડિયાળનો કાંટો આગળ ફેરવ્યો—બાઇબલ શું કહે છે?
૨૪ જાન્યુઆરી, ૨૦૨૩ના રોજ વૈજ્ઞાનિકોએ ડૂમ્સ-ડે ક્લૉક એટલે કે પ્રલયની ઘડિયાળનો a કાંટો આગળ કર્યો અને હવે બસ ૧૨ વાગવાના જ છે. એ બતાવે છે કે દુનિયાનો અંત થવાનો જ છે.
“‘પ્રલયની ઘડિયાળ’ બતાવે છે કે માણસજાતનો અંત કેટલો નજીક છે. યુક્રેઇનનું યુદ્ધ, અણુશસ્ત્રોનું જોખમ અને વાતાવરણના ફેરફારને લીધે મંગળવારના દિવસે પ્રલયની ઘડિયાળના કાંટાને ૧૨ વાગ્યાની એકદમ નજીક ખસેડવામાં આવ્યો.”—એએફપી ઇન્ટરનેશનલ ટૅક્સ્ટ વાયર.
“મંગળવારે વૈજ્ઞાનિકોએ જાહેર કર્યું કે ‘પ્રલયની ઘડિયાળ’ ૧૨ વાગ્યાથી હવે બસ ૯૦ સેકન્ડ જ દૂર છે. એ બતાવે છે કે આપણે આર્માગેદનની બહુ નજીક છીએ.”—એબીસી ન્યૂઝ.
“અમુક આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી કે માણસજાત ક્યારેય આટલી જોખમમાં મુકાઈ નથી.”—ધ ગાર્ડિયન.
શું માણસજાત અને પૃથ્વીનો જલદી જ વિનાશ થઈ જશે? ભવિષ્યમાં શું થશે, એનો વિચાર કરીને શું આપણે ડરવું જોઈએ? બાઇબલ શું કહે છે?
ભવિષ્યમાં શું થશે?
બાઇબલમાં લખ્યું છે કે “પૃથ્વી કાયમ ટકી” રહેશે “અને એમાં [લોકો] સદા જીવશે.” (સભાશિક્ષક ૧:૪; ગીતશાસ્ત્ર ૩૭:૨૯) એટલે માણસો પૃથ્વીનો કદી નાશ નહિ કરી શકે. અરે, માણસો પૃથ્વીને એ હદે નુકસાન પણ પહોંચાડી નહિ શકે જેથી જીવન ટકી ન શકે.
જોકે બાઇબલમાં જણાવ્યું છે કે અંત જરૂર આવશે. દાખલા તરીકે, એમાં લખ્યું છે કે “દુનિયા જતી રહેશે.”—૧ યોહાન ૨:૧૭.
બાઇબલમાં દુનિયાના અંત વિશે જણાવ્યું છે. પણ એનો અર્થ શું છે એ જાણવા આ લેખ વાંચો: “શું આ પૃથ્વીનો નાશ થઈ જશે?”
ભાવિમાં થનારી ઘટનાઓના સમય વિશે બાઇબલમાં શું લખ્યું છે એ વિશે જાણવા આ લેખ વાંચો: “દુનિયા કા અંત કબ હોગા?”
યોગ્ય વલણ જાળવી રાખો
દુનિયામાં આજે ઘણી તકલીફો છે. છતાં, યોગ્ય વલણ રાખવા બાઇબલ આપણને મદદ કરી શકે છે. કઈ રીતે?
બાઇબલમાંથી આપણને એવી સલાહ મળે છે, જે રોજબરોજના જીવનમાં ખૂબ ઉપયોગી છે. (૨ તિમોથી ૩:૧૬, ૧૭) દાખલા તરીકે, જીવનમાં તકલીફો હોવા છતાં બાઇબલ તમને મદદ કરી શકે છે, એ વિશે જાણવા આ લેખ વાંચો: “ચિંતા ઓછી કરવા હું શું કરું?”
બાઇબલમાંથી એક સુંદર ભાવિની આશા મળે છે, જેના પર આપણે ભરોસો કરી શકીએ છીએ. (રોમનો ૧૫:૪) એમાં પહેલેથી જણાવ્યું છે કે હાલમાં અને ભાવિમાં કેવા બનાવો બનશે. એ વિશે જાણવાથી આપણને મન શાંત રાખવા મદદ મળે છે, પછી ભલેને દુનિયામાં ગમે એટલી ઊથલ-પાથલ થાય.
બાઇબલમાંથી તમે વધારે શીખી શકો એ માટે ઈશ્વર પાસેથી શીખવા અમે તમને આમંત્રણ આપીએ છીએ.
a “ડૂમ્સ-ડે ક્લૉક એક એવી ઘડિયાળ છે જે વૈજ્ઞાનિકોએ બનાવી છે. એ ઘડિયાળ ચેતવણી આપે છે કે માણસોએ બનાવેલી ખતરનાક ટૅક્નોલૉજીને લીધે દુનિયા વિનાશને આરે આવીને ઊભી છે. એ ઘડિયાળ યાદ અપાવે છે કે જો પૃથ્વી પર જીવન ટકાવવું હોય, તો આપણે કંઈક કરવું જ પડશે.”—બુલેટિન ઓફ ધ ઍટોમીક સાયન્ટિસ્ટ.