યહોવાના સેવકો તરીકે આપણું જીવન
યહોવા પર ભરોસો રાખવાની ત્રણ રીતો
દાઉદે ગોલ્યાથને મારી નાખ્યો કેમ કે તેમને યહોવા પર ભરોસો હતો. (૧શ ૧૭:૪૫) યહોવા પોતાના ભક્તો માટે પોતાની શક્તિ બતાવવા ચાહે છે. (૨કા ૧૬:૯) આપણે દાઉદની જેમ પોતાની આવડત અને અનુભવ પર નહિ, પણ યહોવા પર ભરોસો રાખવો જોઈએ. એ માટે આપણે શું કરવું જોઈએ? ચાલો એની ત્રણ રીતો જોઈએ.
-
વારંવાર પ્રાર્થના કરીએ. આપણાથી ભૂલ થઈ જાય તો, માફી માટે પ્રાર્થના કરીએ છીએ. પણ આપણી સામે લાલચ આવે ત્યારે તો ખાસ પ્રાર્થના કરવી જોઈએ. (માથ ૬:૧૨, ૧૩) નિર્ણય લીધા પછી પ્રાર્થના કરવાને બદલે, આપણે નિર્ણય લેતા પહેલાં પ્રાર્થનામાં યહોવા પાસે બુદ્ધિ અને માર્ગદર્શન માંગીએ.—યાકૂ ૧:૫.
-
નિયમિત રીતે બાઇબલ વાંચીએ અને એનો અભ્યાસ કરીએ. રોજ બાઇબલ વાંચીએ. (ગી ૧:૨) આપણે જે કંઈ વાંચીએ એના પર વિચાર કરીએ અને લાગુ પાડીએ. (યાકૂ ૧:૨૩-૨૫) ભલે આપણે વર્ષોથી પ્રચાર કરતા હોઈએ, તોય પ્રચારમાં જતા પહેલાં સારી તૈયારી કરીએ. સભા માટે પણ પહેલેથી તૈયારી કરીને જઈએ, જેથી સારી રીતે શીખી શકીએ.
-
યહોવાના સંગઠનનું માર્ગદર્શન સ્વીકારીએ. સંગઠન તરફથી મળતા માર્ગદર્શનથી અપ-ટુ-ડેટ રહેવું જોઈએ અને એ પ્રમાણે તરત કરવું જોઈએ. (ગણ ૯:૧૭) આપણે વડીલોનાં સલાહ-સૂચનો પ્રમાણે કરવું જોઈએ.—હિબ્રૂ ૧૩:૧૭.
સતાવણીથી ડરીએ નહિ વીડિયો જુઓ. પછી આ સવાલોના જવાબ આપો:
• ભાઈ-બહેનોને શાનો ડર હતો?
• તેઓને એ ડર દૂર કરવા શાનાથી મદદ મળી?