કુટુંબ માટે મદદ
મારા બાળકને હેરાન કરવામાં આવે ત્યારે?
તમારો દીકરો આવીને કહે કે સ્કૂલમાં તેને હેરાન કરવામાં આવે છે. તમે શું કરશો? ટીચરને જઈને એવું કહેશો કે ‘જેણે એને હેરાન કર્યો છે એને સજા મળવી જ જોઈએ?’ શું દીકરાને એવું શીખવશો કે ‘માર ખાઈને આવતો નહિ પણ સામે મારીને આવજે?’ કંઈ પણ કરતા પહેલાં હેરાનગતિ વિશે અમુક હકીકતો જાણવાની કોશિશ કરો. a
હેરાનગતિ વિશે મારે શું જાણવું જોઈએ?
હેરાનગતિ એટલે શું? એનો અર્થ થાય કે લાંબા સમય સુધી અને જાણીજોઈને શારીરિક પજવણી કરવી કે લાગણીઓ સાથે રમત રમવી.
કોઈ એકાદ વાર અપમાન કરે કે પજવે તો એને હેરાનગતિ ન કહેવાય.
હેરાનગતિનો અર્થ જાણવો શા માટે ખૂબ મહત્ત્વનું છે? ઘણા લોકોને લાગે છે કે “હેરાનગતિ” એટલે એવી કોઈ પણ બાબત, જેનાથી દુઃખ પહોંચે, પછી ભલેને એ વાત નાનીસૂની હોય. પણ જો તમે રાઈનો પહાડ બનાવીને બાબતોને પોતે જ હાથ ધરવા લાગશો તો શું થશે? તમારા દીકરાને એવું લાગશે કે તે કોઈ પણ બાબતને જાતે હાથ ધરી શકતો નથી. બાબતો જાતે હાથ ધરવી, એક એવી આવડત છે, જે તેને હમણાં અને મોટો થશે ત્યારે પણ કામ લાગશે.
પવિત્ર શાસ્ત્રનો સિદ્ધાંત: “ગુસ્સો કરવામાં ઉતાવળા મિજાજનો ન થા.”—સભાશિક્ષક ૭:૯.
ભૂલશો નહિ: અમુક સંજોગોમાં બાળકને તમારી મદદની જરૂર પડી શકે. જ્યારે કે બીજા સંજોગોમાં બાળકને કંઈક શીખવા મળશે. તે જાતે તકલીફોનો સામનો કરવાનું શીખશે. વધુમાં, કઈ રીતે લોકો સાથે વર્તવું, એ પણ શીખશે.—કોલોસીઓ ૩:૧૩.
જો બાળક તમને કહે કે તેને જાણીજોઈને અને વારંવાર હેરાન કરવામાં આવે છે, તો તમે શું કરી શકો?
હું મારા બાળકને કઈ રીતે મદદ કરી શકું?
તમારા બાળકનું ધ્યાનથી સાંભળો. બે બાબતો જાણવાનો પ્રયત્ન કરો. (૧) બાળક સાથે શું થઈ રહ્યું છે? (૨) શા માટે લોકો તેને હેરાન કરે છે? બધી હકીકતો જાણ્યા પછી પગલાં ભરો. આનો વિચાર કરો: “શું બીજી કોઈ વાત પણ હોય શકે?” બધી માહિતી મેળવવા કદાચ તમારે બાળકના ટીચર કે બીજા બાળકના માબાપ સાથે વાત કરવી પડે.
પવિત્ર શાસ્ત્રનો સિદ્ધાંત: “સાંભળ્યા પહેલાં ઉત્તર આપવામાં મૂર્ખાઈ તથા લજ્જા છે.”—નીતિવચનો ૧૮:૧૩.
જો બાળકની હેરાનગતિ થતી હોય, તો તેને સમજાવો કે તે જે કંઈ કરે કે બોલે એનું સારું કે ખરાબ પરિણામ આવી શકે છે. દાખલા તરીકે, બાઇબલ જણાવે છે: “નમ્ર ઉત્તર ક્રોધને શાંત કરી દે છે; પણ કઠોર શબ્દો રીસ ચઢાવે છે.” (નીતિવચનો ૧૫:૧) બદલો લેવું, એ તો જાણે બળતામાં ઘી નાખવા જેવું ગણાય. બદલો લેવાથી તો હેરાનગતિ ઓછી થવાને બદલે વધશે.
પવિત્ર શાસ્ત્રનો સિદ્ધાંત: “બૂરાઈનો બદલો બૂરાઈથી ન વાળો અથવા અપમાનનો બદલો અપમાનથી ન લો.”—૧ પીતર ૩:૯.
બાળકને સમજાવો કે જો તે બદલો નહિ લે, તો એનો અર્થ એવો નથી કે તે ઢીલો-પોચો છે. શાંત રહેવાથી તો તેને હિંમત મળશે, કારણ કે તે બીજાના હાથની કઠપૂતળી બનતો નથી. સામે હેરાન કરવાને બદલે તે તો હેરાનગતિનો સામનો કરી રહ્યો છે.
ઇન્ટરનેટ પર હેરાનગતિ થાય ત્યારે, બાળકે એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ઇન્ટરનેટ પર લોકો એકબીજાને હેરાન કરતા હોય છે. જો તમારું બાળક એ વાતચીતમાં વચ્ચે કૂદી પડશે, તો એ લોકો તેને પણ હેરાન કરવા લાગશે. એમ કરીને તો બાળક પોતાના જ પગ પર કુહાડો મારે છે. એટલે જ આ કહેવત અમુક વાર સાચી લાગે: ન બોલવામાં નવ ગુણ. જો બાળક સામો જવાબ નહિ આપે, તો હેરાનગતિ કરનારાઓ આપોઆપ શાંત થઈ જશે.
પવિત્ર શાસ્ત્રનો સિદ્ધાંત: ‘બળતણ ન હોવાથી આગ હોલવાઈ જાય છે.’—નીતિવચનો ૨૬:૨૦.
અમુક કિસ્સામાં તમારું બાળક એવી જગ્યાએ જવાનું કે એવા લોકો સાથે હળવા-મળવાનું ટાળી શકે, જ્યાં હેરાનગતિ થવાની શક્યતા છે. જેમ કે, જો તેને ખબર હોય કે કોઈ વ્યક્તિ કે અમુક લોકો તેને કોઈ જગ્યાએ હેરાન કરી શકે છે, તો તે ત્યાં જવાને બદલે બીજી જગ્યાએ જઈ શકે.
પવિત્ર શાસ્ત્રનો સિદ્ધાંત: “ડાહ્યો માણસ હાનિ આવતી જોઈને સંતાઈ જાય છે; પણ મૂર્ખ માણસ આગળ ચાલ્યો જાય છે અને દંડાય છે.”—નીતિવચનો ૨૨:૩.
આમ કરો: તમારા બાળકને એ વિચારવા મદદ કરો કે, તે જે નિર્ણય લેશે એનું સારું-નરસું પરિણામ આવી શકે છે. જેમ કે,
જો તે હેરાનગતિ પર ધ્યાન નહિ આપે તો શું થશે?
હેરાનગતિ કરનારને તે હિંમતથી રોકવાનો પ્રયત્ન કરશે તો શું થશે?
હેરાનગતિ વિશે તે ટીચરને કહેશે તો શું થશે?
શું તે હેરાનગતિ પર વધારે ધ્યાન આપ્યા વગર હળવો માહોલ રાખી શકે?
ભલે ગમે એ રીતે હેરાનગતિ થાય, યાદ રાખો કે બધા સંજોગો એકસરખા હોતા નથી. એટલે બાળક સાથે મળીને એનો ઉપાય શોધો. એવા સંજોગોમાં તેને અહેસાસ કરાવો કે તમે તેની પડખે છો!
પવિત્ર શાસ્ત્રનો સિદ્ધાંત: “મિત્ર સર્વ સમયે પ્રીતિ રાખે છે, અને ભાઈ પડતી દશાને માટે જન્મ્યો છે.”—નીતિવચનો ૧૭:૧૭.
a આ લેખમાં અમે છોકરા વિશે વાત કરી છે, પણ એ વાત છોકરીઓને પણ લાગુ પડે છે.