બાઇબલ કલમોની સમજણ
નીતિવચનો ૧૬:૩—“તારાં કાર્યો પ્રભુને સોંપી દે”
“તારાં કામો યહોવાના હાથમાં સોંપી દે, એટલે તારી યોજનાઓ પાર પડશે.”—નીતિવચનો ૧૬:૩, નવી દુનિયા ભાષાંતર.
“તારાં કાર્યો પ્રભુને સોંપી દે, એટલે તારા મનોરથ સિદ્ધ થશે.”—સુભાષિતો [નીતિવચનો] ૧૬:૩, સંપૂર્ણ બાઇબલ.
નીતિવચનો ૧૬:૩નો અર્થ
સાચા ઈશ્વરની ભક્તિ કરતા લોકોને આ નીતિવચનથી ખાતરી મળે છે કે તેઓની યોજનાઓ સફળ થશે. પણ એ માટે તેઓએ ઈશ્વરનું માર્ગદર્શન શોધીને અને એ પાળીને તેમનામાં ભરોસો બતાવવાની જરૂર છે.
“તારાં કામો યહોવાના હાથમાં સોંપી દે.” યહોવાના a ભક્તો નિર્ણયો લેતા પહેલાં નમ્ર બનીને તેમનું માર્ગદર્શન શોધે છે. (યાકૂબ ૧:૫) શા માટે? એનું એક કારણ છે કે લોકોનાં જીવનમાં જે થવાનું છે એના પર મોટા ભાગે તેઓનો કાબૂ હોતો નથી. (સભાશિક્ષક ૯:૧૧; યાકૂબ ૪:૧૩-૧૫) એટલું જ નહિ, નિર્ણય પ્રમાણે કરવા તેઓ પાસે કદાચ પૂરતી સમજણ ન હોય. એ કારણોને લીધે ઘણા લોકો સમજદારી બતાવીને પોતાનાં કામો ઈશ્વરના હાથમાં સોંપી દે છે. એ માટે તેઓ પ્રાર્થનામાં ઈશ્વરનું માર્ગદર્શન માંગે છે અને બાઇબલમાં જણાવેલી તેમની ઇચ્છા પ્રમાણે કામ કરે છે.—નીતિવચનો ૩:૫, ૬; ૨ તિમોથી ૩:૧૬, ૧૭.
“તારાં કાર્યો પ્રભુને b સોંપી દે” શબ્દોનો મૂળ અર્થ થાય: “તારાં કાર્યો પ્રભુ પર નાખી દે.” એક પુસ્તક પ્રમાણે એ શબ્દોથી આવું ચિત્ર ઊભું થાય છે: “એક માણસ પોતાનો બોજો એવી વ્યક્તિ પર નાખે છે, જે તેના કરતાં શક્તિશાળી છે અને એ બોજો ઉપાડી શકે છે.” જે લોકો નમ્ર બનીને ઈશ્વર પર આધાર રાખે છે, તેઓ ખાતરી રાખી શકે કે ઈશ્વર તેઓને મદદ કરશે અને નિભાવી રાખશે.—ગીતશાસ્ત્ર ૩૭:૫; ૫૫:૨૨.
“તારાં કામો” શબ્દોનો એ અર્થ નથી કે આપણે જે કંઈ કરીશું એનાથી ઈશ્વર ખુશ થશે અથવા આશીર્વાદ આપશે. આપણાં કામ તેમનાં ધોરણો અને ઇચ્છા પ્રમાણે હોવાં જોઈએ. એમ હશે તો જ આપણને ઈશ્વરનો આશીર્વાદ મળશે. (ગીતશાસ્ત્ર ૧૨૭:૧; ૧ યોહાન ૫:૧૪) જેઓ ઈશ્વરની આજ્ઞાઓ પાળતા નથી તેઓને તે આશીર્વાદ આપતા નથી. હકીકતમાં, “દુષ્ટોની યોજનાઓ તે ઊંધી વાળે છે.” (ગીતશાસ્ત્ર ૧૪૬:૯) પણ જેઓ તેમને આધીન રહે છે, એટલે કે બાઇબલમાં આપેલાં ધોરણો પાળે છે તેઓને તે સાથ આપે છે.—ગીતશાસ્ત્ર ૩૭:૨૩.
“એટલે તારી યોજનાઓ પાર પડશે.” હિબ્રૂ શાસ્ત્રવચનોમાં (જે જૂના કરાર તરીકે ઓળખાય છે) “પાર પડશે” માટે જે શબ્દ વપરાયો છે, એ પાયો નાખવાને બતાવે છે. ઘણી વાર એનો ઉપયોગ એ બતાવવા પણ થાય છે કે ઈશ્વરની સૃષ્ટિ અડગ છે અને કોઈ એને હલાવી શકતું નથી. (નીતિવચનો ૩:૧૯; યર્મિયા ૧૦:૧૨) એવી જ રીતે, જેઓ ઈશ્વરને ગમે એવાં કામ કરે છે, તેઓની યોજનાઓને ઈશ્વર અડગ કરે છે, એને સફળ બનાવે છે. તે તેઓને ટકાવી રાખે છે તેમજ સલામતી અને ખુશીઓથી ભરેલું જીવન મેળવવા મદદ કરે છે.—ગીતશાસ્ત્ર ૨૦:૪; નીતિવચનો ૧૨:૩.
નીતિવચનો ૧૬:૩ વિશે વધારે માહિતી
આ નીતિવચન રાજા સુલેમાને લખ્યું હતું. આ પુસ્તકનાં મોટા ભાગનાં નીતિવચનો તેમણે જ લખ્યાં છે. તે હજારો નીતિવચનો લખી શક્યા, કેમ કે ઈશ્વરે તેમને ડહાપણ આપ્યું હતું.—૧ રાજાઓ ૪:૨૯, ૩૨; ૧૦:૨૩, ૨૪.
સુલેમાને અધ્યાય ૧૬ની શરૂઆતમાં ઈશ્વરની બુદ્ધિની પ્રશંસા કરી અને જણાવ્યું કે ઈશ્વર ઘમંડી લોકોને ખૂબ ધિક્કારે છે. (નીતિવચનો ૧૬:૧-૫) પછી સુલેમાને એ અધ્યાયમાં આ મહત્ત્વનું સત્ય જણાવ્યું, જે નીતિવચનોના પુસ્તકમાં અવાર-નવાર જોવા મળે છે: જો માણસો નમ્ર બનીને ઈશ્વરનું માર્ગદર્શન સ્વીકારશે અને એ પ્રમાણે ચાલશે, તો તેઓ સાચે જ સમજદાર બનશે અને સફળ થશે. (નીતિવચનો ૧૬:૩, ૬-૮, ૧૮-૨૩) આ સત્ય બાઇબલમાં વારંવાર જોવા મળે છે.—ગીતશાસ્ત્ર ૧:૧-૩; યશાયા ૨૬:૩; યર્મિયા ૧૭:૭, ૮; ૧ યોહાન ૩:૨૨.
નીતિવચનોના પુસ્તકની ઝલક જોવા આ વીડિયો જુઓ.
a બાઇબલમાં જણાવ્યા પ્રમાણે ઈશ્વરનું નામ યહોવા છે. (ગીતશાસ્ત્ર ૮૩:૧૮) આ લેખ જુઓ: “યહોવા કોણ છે?”
b સંપૂર્ણ બાઇબલમાં આપેલી સૂચિમાં જણાવ્યું છે કે એ બાઇબલમાં યહોવાના બદલે “પ્રભુ” શબ્દ વાપરવામાં આવ્યો છે. એવું કરવાથી બાઇબલ વાંચનારાઓનાં મનમાં કેમ ગૂંચવણ ઊભી થઈ શકે, એ વિશે જાણવા આ લેખ જુઓ: “યશાયા ૪૨:૮—‘હું પ્રભુ છું.’”