બાઇબલમાં જણાવેલી જગ્યાઓનાં નકશા
“સી ધ ગુડ લૅન્ડ” પુસ્તિકામાં બાઇબલમાં જણાવેલી જગ્યાઓનાં નકશા આપ્યા છે. એની મદદથી તમે સારી રીતે બાઇબલનો ઊંડો અભ્યાસ કરી શકશો. બાઇબલમાં અનેક જગ્યાઓ, શહેરો અને દેશોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એના વિશે જાણવા આ પુસ્તિકામાંથી સંશોધન કરો. એનાથી તમને બાઇબલ વાંચવાની અને અભ્યાસ કરવાની મઝા આવશે. બાઇબલનો કોઈ અહેવાલ વાંચો ત્યારે “સી ધ ગુડ લૅન્ડ” પુસ્તિકાનો ઉપયોગ કરો અને એ બનાવો ક્યાં બન્યા હતા એની કલ્પના કરો. આ પુસ્તિકામાંથી જોવા મળશે કે બાઇબલમાં જણાવેલા વિસ્તારો કેવા હતા. એનાથી એ જગ્યાએ બનેલા બનાવોને તમે સારી રીતે સમજી શકશો.
“સી ધ ગુડ લૅન્ડ” પુસ્તિકામાં બાઇબલ સમયના ઘણા બધા નકશા અને રંગીન ચિત્રો છે. એમાં આકૃતિઓ, કૉમ્પ્યુટરની મદદથી બનાવેલા ચિત્રો અને બીજી ઘણી માહિતી છે. એનાથી તમે બાઇબલમાં જણાવેલા બનાવો વિશે વધારે શીખી શકશો.
આ પુસ્તિકામાં આપેલા નકશા દ્વારા તમને એ જાણવા મદદ મળશે કે:
ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબે કયા કયા રસ્તે મુસાફરી કરી હતી
ઇઝરાયેલીઓ ઇજિપ્તમાંથી નીકળીને કયા રસ્તે વચનના દેશમાં પહોંચ્યા હતા
ઇઝરાયેલીઓના દુશ્મન દેશો ક્યાં ક્યાં આવેલા હતા
ઈસુએ કયા કયા વિસ્તારોમાં પ્રચારકાર્ય કર્યું હતું
બાઇબલ સમયનાં સામ્રાજ્ય કયાં સુધી ફેલાયેલાં હતાં. જેમ કે બાબેલોન, ગ્રીસ અને રોમન સામ્રાજ્ય
તમે ચાહો તો નકશાની આ પુસ્તિકા વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરીમાં જોઈ શકો છો. એ મફત છે.