શું બાઇબલમાં પુનર્જન્મ વિશે જણાવ્યું છે?
શાસ્ત્રમાંથી જવાબ
ના. બાઇબલમાં “પુનર્જન્મ” શબ્દ ક્યાંય જોવા મળતો નથી. એટલું જ નહિ, કોઈ પણ કલમમાં એનો વિચાર પણ જોવા નથી મળતો. પુનર્જન્મની માન્યતા અમર આત્માના શિક્ષણને આધારે છે. એ શિક્ષણ પ્રમાણે, વ્યક્તિનું મરણ થાય પછી પણ એનો આત્મા જીવતો રહે છે. a પણ બાઇબલમાં જણાવ્યું છે કે માણસ માટીનો બનેલો છે અને મરણ પછી તેનો પૂરી રીતે નાશ થઈ જાય છે. તેનામાંથી આત્મા નીકળીને આમતેમ ભટકતો નથી. (ઉત્પત્તિ ૨:૭; હઝકિયેલ ૧૮:૪) મરણ પછી માણસમાં કશું જ બચતું નથી.—ઉત્પત્તિ ૩:૧૯; સભાશિક્ષક ૯:૫, ૬.
પુનર્જન્મ અને સજીવન (પુનરુત્થાન) થવાના શિક્ષણ વચ્ચે શું ફરક છે?
બાઇબલમાં સજીવન થવાના શિક્ષણ વિશે જણાવ્યું છે. પણ એ અમર આત્માના શિક્ષણને આધારે નથી. સજીવન થવાનો અર્થ થાય કે મરણ પામેલા લોકોને ઈશ્વરની શક્તિથી જીવતા કરવામાં આવશે. (માથ્થી ૨૨:૨૩, ૨૯; પ્રેરિતોનાં કાર્યો ૨૪:૧૫) એનાથી આશા મળે છે કે જો આપણે મરી જઈએ તોપણ નવી દુનિયામાં આપણને જીવતા કરવામાં આવશે અને હંમેશ માટે જીવીશું.—૨ પિતર ૩:૧૩; પ્રકટીકરણ ૨૧:૩, ૪.
પુનર્જન્મ અને બાઇબલ વિશે ખોટી માન્યતાઓ
ખોટી માન્યતા: બાઇબલમાં જણાવ્યું છે કે પ્રબોધક એલિયાનો બાપ્તિસ્મા આપનાર યોહાન તરીકે પુનર્જન્મ થયો છે.
હકીકત: ઈશ્વરે ભવિષ્યવાણી કરી હતી: “હું એલિયા પ્રબોધકને તમારી પાસે મોકલું છું.” ઈસુએ કહ્યું હતું કે એ ભવિષ્યવાણી બાપ્તિસ્મા આપનાર યોહાનમાં પૂરી થઈ. (માલાખી ૪:૫, ૬; માથ્થી ૧૧:૧૩, ૧૪) પણ એનો અર્થ એ નથી કે એલિયાએ બાપ્તિસ્મા આપનાર યોહાન તરીકે જન્મ લીધો હતો. યોહાને પોતે કહ્યું હતું કે તે એલિયા નથી. (યોહાન ૧:૨૧) યોહાને એલિયા જેવા જ કામો કર્યા હતા. તેમણે પણ એલિયાની જેમ લોકોને ઈશ્વરનો સંદેશો જણાવ્યો જેથી તેઓ પસ્તાવો કરે. (૧ રાજાઓ ૧૮:૩૬, ૩૭; માથ્થી ૩:૧) યોહાનમાં પણ “એલિયા જેવી શક્તિ અને તાકાત” હતી.—લૂક ૧:૧૩-૧૭.
ખોટી માન્યતા: બાઇબલમાં “ફરીથી જન્મ” લેવા વિશે જણાવ્યું છે, એનો અર્થ થાય પુનર્જન્મ.
હકીકત: બાઇબલમાં ફરીથી જન્મ લેવા વિશે જણાવ્યું છે એનો અર્થ થાય કે વ્યક્તિ જીવતેજીવ ફરીથી જન્મ લઈ શકે છે, એનો અર્થ એ નથી કે વ્યક્તિ મરણ પામીને ફરીથી જન્મ લે. (યોહાન ૧:૧૨, ૧૩) ફરીથી જન્મ લેવાનો અર્થ એ પણ નથી કે વ્યક્તિએ પાછલા જન્મમાં સારાં કામો કર્યાં હતા. પણ એ ઈશ્વર પાસેથી મળનાર એક સુંદર આશીર્વાદ છે, જેનાથી વ્યક્તિને ભવિષ્ય માટે આશા મળે છે.—યોહાન ૩:૩; ૧ પિતર ૧:૩, ૪.
a અમર આત્મા અને પુનર્જન્મનું શિક્ષણ પ્રાચીન બાબેલોનમાંથી આવ્યું છે. સમય જતાં, ભારતના ફિલોસોફરોએ (તત્ત્વચિંતકોએ) એને “કર્મના” શિક્ષણનું રૂપ આપી દીધું. બ્રિટાનિકા ઍન્સાઇક્લોપીડિયા ઓફ વર્લ્ડ રિલિજિયનમાં જણાવ્યું છે કે કર્મ એટલે કે “એક વ્યક્તિ જેવું વાવે છે એવું લણે છે. વ્યક્તિ પોતાના જીવનમાં જેવાં કામો કરશે, એના ફળ તે આવતા જન્મમાં ભોગવશે.”—પાન ૯૧૩.