માફી એટલે શું?
શાસ્ત્રમાંથી જવાબ
બાઇબલમાં “માફી” માટે જે ગ્રીક શબ્દ વપરાયો છે એનું ભાષાંતર “જતું કરવું” થાય છે, જાણે કે એક વ્યક્તિ દેવું જતું કરે. ઈસુ પોતાના શિષ્યોને પ્રાર્થના કરતા શીખવતા હતા ત્યારે તેમણે એવી જ સરખામણી કરી હતી. તેમણે કહ્યું: “અમારાં પાપ [દેવું] માફ કરો, કેમ કે અમે પણ અમારી વિરુદ્ધ પાપ કરનારા દરેકને [દેવાદારોને] માફ કર્યા છે.” (લૂક ૧૧:૪, ફૂટનોટ) માફ ન કરનાર ચાકરનું ઉદાહરણ આપતી વખતે પણ ઈસુએ માફ કરવાને જતું કરવા સાથે સરખાવ્યું.—માથ્થી ૧૮:૨૩-૩૫.
જ્યારે આપણે દુઃખ પહોંચાડનાર વ્યક્તિ માટે મનમાં ખાર ભરી રાખતા નથી અને જે નુકસાન થયું છે એને ભૂલી જઈએ છીએ, ત્યારે બતાવી આપીએ છીએ કે આપણે એ વ્યક્તિને માફ કરી છે. બાઇબલમાંથી શીખવા મળે છે કે નિઃસ્વાર્થ પ્રેમ એ સાચી માફીનો પાયો છે, કેમ કે “કોઈએ દુઃખ પહોંચાડ્યું હોય તો [પ્રેમ] એનો હિસાબ રાખતો નથી.”—૧ કોરીંથીઓ ૧૩:૫.
માફ કરવાનો અર્થ એ નથી કે . . .
ભૂલને ચલાવી લઈએ. બાઇબલમાં જણાવ્યું છે કે જે લોકો ખરાબ કામોને ચલાવી લે છે અથવા એવું વિચારે છે કે ખરાબ કામો કરવામાં કંઈ ખોટું નથી, તેઓને ઈશ્વર ધિક્કારે છે.—યશાયા ૫:૨૦.
ભૂલ થઈ જ નથી એવું માની લઈએ. ઈશ્વરે દાઉદ રાજાની મોટી મોટી ભૂલો માફ કરી, પણ તેમણે એનાં ખરાબ પરિણામથી દાઉદને બચાવ્યા નહિ. અરે તેમણે દાઉદની એ ભૂલો લખાવી લીધી, જેથી આવનાર પેઢીઓ એને યાદ રાખી શકે અને એમાંથી શીખી શકે.—૨ શમુએલ ૧૨:૯-૧૩.
બીજાઓને આપણો ફાયદો ઉઠાવવા દઈએ. દાખલા તરીકે, એક માણસ આપણી પાસે ઉછીના પૈસા લે છે. પણ પછી તે એને વેડફી નાખે છે અને આપણને સમયસર પૈસા પાછા નથી આપતો. એ બાબતે તે બહુ દિલગીર છે અને માફી માંગે છે. એટલે કદાચ તેને માફ કરી દઈએ, મનમાં ખાર ભરી ન રાખીએ અને વારેઘડીએ તેની ભૂલ યાદ ન કરાવીએ. અરે તેનું દેવું પણ જતું કરીએ. પણ આગળ જતાં એવું બને કે તે ફરીથી પૈસા માંગે તો કદાચ તેને પૈસા ન આપવાનું વિચારીએ.—ગીતશાસ્ત્ર ૩૭:૨૧; નીતિવચનો ૧૪:૧૫; ૨૨:૩; ગલાતીઓ ૬:૭.
કારણ વગર માફી આપીએ. ઈશ્વર એવી વ્યક્તિને માફ નથી કરતા જે જાણીજોઈને ગંભીર પાપ કરે છે, પોતાની ભૂલ સ્વીકારતી નથી, ફેરફાર કરતી નથી અને જેઓને દુઃખ પહોંચાડ્યું છે તેઓ પાસે માફી માંગતી નથી. (નીતિવચનો ૨૮:૧૩; પ્રેરિતોનાં કાર્યો ૨૬:૨૦; હિબ્રૂઓ ૧૦:૨૬) પસ્તાવો ન કરનાર વ્યક્તિ ઈશ્વરની દુશ્મન બની જાય છે. ઈશ્વર આપણી પાસે એવી અપેક્ષા રાખતા નથી કે જેઓને તે માફ કરતા નથી તેઓને આપણે માફ કરીએ.—ગીતશાસ્ત્ર ૧૩૯:૨૧, ૨૨.
પણ જો કોઈ આપણી સાથે બહુ ક્રૂર રીતે વર્ત્યું હોય અને હવે તે પોતાની ભૂલ સ્વીકારવા તૈયાર નથી, માફી માંગવા તૈયાર નથી, તો શું કરી શકીએ? બાઇબલમાં સલાહ આપી છે: “ગુસ્સો પડતો મૂક અને ક્રોધ છોડી દે.” (ગીતશાસ્ત્ર ૩૭:૮) એનો અર્થ એ નથી કે આપણે એ વ્યક્તિની ભૂલને આંખ આડા કાન કરીએ, પણ ગુસ્સાને પોતાના પર હાવી થવા ન દઈએ. ભરોસો રાખીએ કે ઈશ્વર એ વ્યક્તિ પાસેથી બદલો લેશે. (હિબ્રૂઓ ૧૦:૩૦, ૩૧) આપણને એ જાણીને પણ દિલાસો મળે છે કે ઈશ્વર બહુ જલદી બધાં દુઃખો દૂર કરશે, દિલ પર લાગેલા ઊંડા ઘા રૂઝવી નાખશે.—યશાયા ૬૫:૧૭; પ્રકટીકરણ ૨૧:૪.
દરેક નાની નાની ભૂલને “માફ” કરીએ છીએ એવું બતાવીએ. અમુક વાર આપણને લાગે કે આપણે લોકોની દરેક નાની નાની ભૂલ માફ કરીએ છીએ. પણ કદાચ આપણે પોતે એ સ્વીકારવાની જરૂર છે કે આપણી પાસે ખોટું લગાડવાનું કોઈ વાજબી કારણ હતું જ નહિ. બાઇબલમાં જણાવ્યું છે: “ગુસ્સો કરવામાં ઉતાવળો ન થા, ગુસ્સો તો મૂર્ખની નિશાની છે.”—સભાશિક્ષક ૭:૯, ફૂટનોટ.
બીજાઓને માફ કરવા શું મદદ કરશે?
૧. માફી આપવી એટલે શું એ યાદ રાખીએ. આપણે ભૂલને ચલાવી નથી લેતા અથવા આંખ આડા કાન નથી કરતા, આપણે બસ એ જતું કરીએ છીએ.
૨. માફ કરવાથી થતા ફાયદાનો વિચાર કરીએ. મનમાંથી ગુસ્સો અને ખાર કાઢી નાખીએ છીએ ત્યારે મન શાંત થઈ જાય છે, તંદુરસ્ત અને ખુશ રહી શકીએ છીએ. (નીતિવચનો ૧૪:૩૦; માથ્થી ૫:૯) સૌથી મહત્ત્વનું, બીજાઓને માફ કરીએ છીએ ત્યારે આપણે ઈશ્વર પાસેથી માફી મેળવી શકીએ છીએ.—માથ્થી ૬:૧૪, ૧૫.
૩. બીજાઓની લાગણી સમજીએ. આપણે બધા ભૂલો કરીએ છીએ. (યાકૂબ ૩:૨) જેમ આપણે ચાહીએ છીએ કે લોકો આપણને માફ કરે, તેમ આપણે પણ બીજાઓની ભૂલોને માફ કરવી જોઈએ.—માથ્થી ૭:૧૨.
૪. વાજબી બનીએ. જ્યારે ફરિયાદ કરવાનું નજીવું કારણ હોય, ત્યારે બાઇબલની આ સલાહ લાગુ પાડીએ: “એકબીજાનું સહન કરો.”—કોલોસીઓ ૩:૧૩.
૫. તરત પગલાં ભરીએ. ગુસ્સો વધી જાય એ પહેલાં માફ કરવા તરત પગલાં ભરીએ.—એફેસીઓ ૪:૨૬, ૨૭.