સ્વર્ગમાં કોણ જાય છે?
શાસ્ત્રમાંથી જવાબ
ઈશ્વરે ફક્ત અમુક જ ઈશ્વરભક્તોને પસંદ કર્યા છે, જેઓને મરણ પછી સ્વર્ગમાં જીવન મળશે. (૧ પિતર ૧:૩, ૪) પણ એ જીવન મેળવવા જરૂરી છે કે તેઓ હંમેશાં ઈશ્વરની આજ્ઞાઓ પાળે અને પોતાની શ્રદ્ધા મજબૂત રાખે.—એફેસીઓ ૫:૫; ફિલિપીઓ ૩:૧૨-૧૪.
જેઓ સ્વર્ગમાં જશે તેઓ ત્યાં શું કરશે?
તેઓ ૧,૦૦૦ વર્ષ માટે રાજાઓ અને યાજકો તરીકે ઈસુ સાથે રાજ કરશે. (પ્રકટીકરણ ૫:૯, ૧૦; ૨૦:૬) તેઓ “નવાં આકાશ”નો ભાગ બનશે, જે સ્વર્ગમાંથી રાજ કરવાની ગોઠવણને બતાવે છે. એ ગોઠવણ દ્વારા તેઓ “નવી પૃથ્વી” એટલે કે પૃથ્વી પરના લોકો પર રાજ કરશે. સ્વર્ગમાંથી રાજ કરતા એ રાજાઓ માણસોને એ રીતે જીવવા મદદ કરશે, જે ઈશ્વરની પહેલેથી ઇચ્છા હતી.—યશાયા ૬૫:૧૭; ૨ પિતર ૩:૧૩.
કેટલાને સ્વર્ગનું જીવન મળશે?
બાઇબલ જણાવે છે કે ૧,૪૪,૦૦૦ લોકોને સ્વર્ગનું જીવન મળશે. (પ્રકટીકરણ ૭:૪) પ્રેરિત યોહાને દર્શનમાં “સિયોન પર્વત પર ઘેટું ઊભેલું જોયું. તેની સાથે ૧,૪૪,૦૦૦ લોકો હતા.” (પ્રકટીકરણ ૧૪:૧-૩) એ દર્શનમાં જોયેલું “ઘેટું” મરણમાંથી જીવતા થયેલા ઈસુ છે. (યોહાન ૧:૨૯; ૧ પિતર ૧:૧૯) “સિયોન પર્વત” એ ઊંચા હોદ્દાને બતાવે છે, જે ઈસુને અને તેમની સાથે સ્વર્ગમાં રાજ કરનાર ૧,૪૪,૦૦૦ રાજાઓને મળ્યો છે.—ગીતશાસ્ત્ર ૨:૬; હિબ્રૂઓ ૧૨:૨૨.
ખ્રિસ્ત સાથે રાજ કરવા “જેઓને ઈશ્વરે બોલાવ્યા છે ને પસંદ કર્યા છે,” તેઓને “નાની ટોળી” કહેવામાં આવે છે. (પ્રકટીકરણ ૧૭:૧૪; લૂક ૧૨:૩૨) એનાથી જોવા મળે છે કે ઈસુના આખા ટોળાની સામે આ ટોળીની સંખ્યા બહુ ઓછી છે.—યોહાન ૧૦:૧૬.
સ્વર્ગમાં કોણ જાય છે એ વિશે અમુક ખોટી માન્યતાઓ
ખોટી માન્યતા: બધા સારા લોકો સ્વર્ગમાં જાય છે.
હકીકત: મોટા ભાગના સારા લોકોને ઈશ્વરે આ પૃથ્વી પર હંમેશ માટેનું જીવન આપવાનું વચન આપ્યું છે.—ગીતશાસ્ત્ર ૩૭:૧૧, ૨૯, ૩૪.
ઈસુએ કહ્યું હતું: “કોઈ માણસ સ્વર્ગમાં ચઢ્યો નથી.” (યોહાન ૩:૧૩) ઈસુના એ શબ્દોથી સાફ જોવા મળે છે કે જે વફાદાર ભક્તો તેમની પહેલાં મરણ પામ્યા, તેઓ સ્વર્ગ ગયા ન હતા. જેમ કે, ઇબ્રાહિમ, મૂસા, યૂના અને દાઉદ. (પ્રેરિતોનાં કાર્યો ૨:૨૯, ૩૪) પણ એ ઈશ્વરભક્તોને આશા હતી કે તેઓને આ પૃથ્વી પર જીવન આપવામાં આવશે.—અયૂબ ૧૪:૧૩-૧૫.
જેઓને સ્વર્ગમાં જીવન મળવાનું છે, તેઓ ‘મરણમાંથી જીવતા થવામાં પહેલા છે.’ (પ્રકટીકરણ ૨૦:૬) એ બતાવે છે કે બીજા લોકોને પછીથી જીવતા કરવામાં આવશે અને તેઓને પૃથ્વી પર જીવન આપવામાં આવશે.
બાઇબલમાં જણાવ્યું છે કે ઈશ્વરના રાજ્યમાં ‘મરણ રહેશે નહિ.’ (પ્રકટીકરણ ૨૧:૩, ૪) સ્વર્ગમાં કોઈનું મરણ નથી થતું, ફક્ત પૃથ્વી પર થાય છે, એટલે એ વાત પૃથ્વી પર રહેનાર લોકોમાં પૂરી થશે.
ખોટી માન્યતા: દરેક વ્યક્તિ પોતે નક્કી કરી શકે છે કે તેને સ્વર્ગમાં જીવન જોઈએ છે કે પૃથ્વી પર.
હકીકત: ઈશ્વર નક્કી કરે છે કે વફાદાર ભક્તોમાંથી કોને ‘ઉપરનું જીવન,’ એટલે કે સ્વર્ગમાં જીવન મળશે. (ફિલિપીઓ ૩:૧૪, કોમન લેંગ્વેજ) કોઈ વ્યક્તિને સ્વર્ગના જીવન માટે પસંદ કરી છે કે નહિ, એ તેની ઇચ્છા કે મહત્ત્વકાંક્ષા પર આધાર નથી રાખતું.—માથ્થી ૨૦:૨૦-૨૩.
ખોટી માન્યતા: સ્વર્ગનું જીવન પૃથ્વી પરના જીવન કરતાં વધારે ચઢિયાતું છે. પૃથ્વી પર હંમેશ માટેનું જીવન ફક્ત એ જ લોકોને મળશે, જેઓ સ્વર્ગ જવાને લાયક નથી.
હકીકત: જેઓને પૃથ્વી પર જીવન મળવાનું છે, તેઓને ઈશ્વર “મારા લોકો,” “મારા પસંદ કરેલા લોકો,” અને “જેઓ પર યહોવાનો આશીર્વાદ છે” કહે છે. (યશાયા ૬૫:૨૧-૨૩) એ લોકો હંમેશ માટે જીવશે અને ખુશી ખુશી આ પૃથ્વીને બાગ જેવી સુંદર બનાવશે. માણસો માટે ઈશ્વર એ જ ચાહતા હતા.—ઉત્પત્તિ ૧:૨૮; ગીતશાસ્ત્ર ૧૧૫:૧૬; યશાયા ૪૫:૧૮.
ખોટી માન્યતા: પ્રકટીકરણમાં જણાવેલી ૧,૪૪,૦૦૦ની સંખ્યા સાંકેતિક છે.
હકીકત: પ્રકટીકરણના પુસ્તકમાં જણાવેલા અમુક આંકડા સાંકેતિક છે, કશાકને રજૂ કરે છે. પણ એમાં એવા પણ આંકડા છે જે સાંકેતિક નથી. દાખલા તરીકે, એમાં જણાવ્યું છે, “૧૨ પથ્થરો પર ઘેટાના ૧૨ પ્રેરિતોનાં નામ હતાં.” (પ્રકટીકરણ ૨૧:૧૪) ચાલો અમુક કારણો જોઈએ, જેનાથી ખ્યાલ આવે છે કે ૧,૪૪,૦૦૦ કોઈ સાંકેતિક નહિ, પણ વાસ્તવિક સંખ્યા છે.
પ્રકટીકરણ ૭:૪માં જણાવ્યું છે કે, ‘મહોર મારવામાં આવેલા [અથવા, સ્વર્ગમાં જીવન માટે પસંદ થયેલા] લોકોની સંખ્યા ૧,૪૪,૦૦૦’ છે. એના પછીની કલમોમાં ‘મોટા ટોળા’ વિશે જણાવ્યું છે, જેમાં “ગણી ન શકે એટલા બધા લોકો” છે. એ લોકોનો પણ ઉદ્ધાર કરવામાં આવશે. (પ્રકટીકરણ ૭:૯, ૧૦) જો ૧,૪૪,૦૦૦ સાંકેતિક સંખ્યા હોત અને એ સંખ્યા અગણિત લોકોના સમૂહને બતાવતી હોત, તો બંને સમૂહ વચ્ચેનો ફરક કઈ રીતે પારખી શકાત? એટલે આપણે કહી શકીએ કે ૧,૪૪,૦૦૦ સાંકેતિક નહિ, પણ વાસ્તવિક સંખ્યા છે. a
વધુમાં ૧,૪૪,૦૦૦ માટે કહેવામાં આવ્યું છે કે ‘તેઓને માણસોમાંથી પ્રથમ ફળો તરીકે ખરીદવામાં આવ્યા છે.’ (પ્રકટીકરણ ૧૪:૪) ‘પ્રથમ ફળો’ શબ્દો પસંદ કરેલા લોકોના નાના સમૂહને બતાવે છે. એનાથી સાફ જોવા મળે છે કે, ભાવિમાં જેઓ પૃથ્વી પર હંમેશ માટે જીવવાના છે, તેઓની સરખામણીમાં સ્વર્ગમાંથી રાજ કરનારની સંખ્યા ખૂબ જ ઓછી છે.—પ્રકટીકરણ ૫:૧૦.
a એવી જ રીતે, પ્રોફેસર રોબર્ટ એલ. થોમસે પ્રકટીકરણ ૭:૪માં આપેલી ૧,૪૪,૦૦૦ સંખ્યા વિશે લખ્યું: ‘પ્રકટીકરણ ૭:૪માં આપેલો ચોક્કસ આંકડો અને ૭:૯માં આપેલા અચોક્કસ આંકડા વચ્ચે ચોખ્ખો તફાવત જોવા મળે છે. જો ૧,૪૪,૦૦૦નો આંકડો સાંકેતિક હોય, તો પ્રકટીકરણમાં આપેલા એક પણ આંકડાને સાચેસાચો ગણી શકાય નહિ.’—પ્રકટીકરણ ૧-૭: ટીકા અને કોમેન્ટરી, (અંગ્રેજી) પાન ૪૭૪.